સુરત:ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સિદ્ધિ માત્ર સુરત કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને પ્રજાસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરતી એક ઐતિહાસિક ઘટના છે. આ ગૌરવપ્રદ એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પ્રદાન કરવામાં આવ્યો. આ શ્રેષ્ઠતા માટેના પ્રદાનમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં સ્ટેશનની અનોખી કામગીરી, નવા ઉપાયો, નાગરિક સહયોગ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને મુખ્ય આધારભૂત ગણવામાં આવ્યા છે.
હર્ષ સંઘવી અને પોલીસ કમિશનરે પાઠવ્યા અભિનંદન
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોર્ડનાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ ઠર્યું છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે પણ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ અંગે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટ એ.સી. ગોહિલે જણાવ્યું કે, “આ એવોર્ડ માત્ર મારો કે મારી ટીમનો નથી, પરંતુ સમગ્ર ગુજરાત પોલીસના નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કાર્યનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ અને પોલીસ વચ્ચેનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે. અમે જે ટેકનિકલ આધુનિકતા, નાગરિક સહકાર અને પ્રજાસેવાના ભાવ સાથે કામ કર્યું છે, તે જ આ પ્રદાન માટેનું મૂળ કારણ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું, રાજ્ય સરકારની ‘ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી’ પહેલે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો જે અભિગમ અપનાવ્યો છે, તે સફળતાનું મુખ્ય સ્તંભ છે. “આ પહેલને અમલમાં મૂકતા, નાગરિકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટ્યું છે અને લોકસહકારથી અમે વધુ પ્રભાવશાળી રીતે કામ કરી શક્યા છીએ. આ એવોર્ડ માત્ર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ ગૌરવ છે, એવું નહિ પરંતુ ગુજરાત પોલીસ તંત્ર માટે એક ઉત્સાહક પ્રેરણારૂપ છે. “આ સિદ્ધિ માત્ર સન્માન માટે નથી, પરંતુ ભવિષ્યમાં પણ નાગરિકોની સુરક્ષા માટે વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા છે.”
PI ગોહિલે ઉમેર્યું કે, 2019 પછી આ પહેલીવાર છે કે ગુજરાતના કોઈ પોલીસ મથકે શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યું છે. આ માત્ર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાદાયક ક્ષણ છે, જે ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.”
શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે પસંદગીના મુખ્ય માપદંડો
- અપરાધ નિવારણ અને તપાસમાં સફળતા: ઈચ્છાપોર પોલીસ સ્ટેશને 2022 થી 2024 દરમિયાન મિલકત સંબંધી ગુનાઓમાં 79% થી 83% ડીટેક્શન દર નોંધાવ્યો હતો. નાસતા ફરતા 24 આરોપીઓને ઝડપી પાડવા ઉપરાંત, ગુનાઓના ઝડપી નિકાલ માટે સ્ટેશનની કામગીરી પ્રસંશનીય રહી.
- નાગરિક પ્રતિસાદ અને પ્રજા ભાગીદારી: વિશ્વાસ પ્રોજેક્ટના ભાગરૂપે 180 થી વધુ CCTV કેમેરા સ્ટેશન વિસ્તારમાં સ્થાપિત કરીને નાગરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી. પ્રજાજનો સાથે પોઝિટિવ સંવાદ અને જનજાગૃતિ અભિગમે સ્ટેશનને નાગરિકો માટે વધુ વિશ્વાસપૂર્વકનું બનાવ્યું છે.
- મહિલા અને બાળ સુરક્ષા માટે વિશેષ આયોજન:શી-ટીમ દ્વારા મહિલાઓ અને બાળકો માટે સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામ તેમજ શાળાઓ અને કાર્યસ્થળો પર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા. તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસ અભિયાન દ્વારા ટેક્નોલોજી સાથે જોડાયેલા ખતરાઓ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા.
- મોડર્ન ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ: ગુનાઓના નિદાનમાં CCTV અને ડિજિટલ સાધનોનો પ્રભાવશાળી ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટેશનના તમામ રેકોર્ડ્સનું ડિજિટલીકરણ પૂર્ણ કરીને પારદર્શકતા લાવવામાં સફળતા મળી.
- લોકપ્રિય અને પુરસ્કાર લાયક કામગીરી: ટ્રક ચોરીના ગુનાઓ ઉકેલવા તથા પ્રોહિબિશન કાયદાની મક્કમ અમલવારી માટેના પ્રયાસો ઇચ્છાપોર પોલીસ મથકને શ્રેષ્ઠ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયા.
આ પણ વાંચો:
- સુરત: ગટરના પાણીમાં પુરુષો-મહિલાઓ ધૂણતા હોવાનો વીડિયો વાઈરલ, તપાસમાં શું સામે આવ્યું?
- દિલ્હી પોલીસની ગુજરાતમાં રેડ, દુષ્કર્મના આરોપીનો 1500KM પીછો કરીને સુરતથી ઝડપી પાડ્યો