સુરત:શહેરમાં રહેતી જીજ્ઞાસાબેન ઠક્કરે અચાનક અગમ્ય કારણોસર આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, સાયણની 41 વર્ષીય મહિલા એડવોકેટ જીજ્ઞાસાબેન અશ્વિનભાઈ ઠક્કર છેલ્લા ત્રણ વર્ષથી ઓલપાડ તાલુકાની મહત્વની ગણાતી સાયણ ગ્રામ પંચાયતમાં સરપંચનું પદ સંભાળી રહી હતી. તે સાયણ ગ્રામ પંચાયતની કાયાપલટ માટે બહાદુરીથી વહીવટ કરવા માટે લોકોમાં જાણીતી હતી.
જીજ્ઞાસાબેન ઠકકર નિત્યક્રમ મુજબ સાયણ પંચાયત કચેરીમાં ગયા હતા. ત્યારબાદ આશરે બપોરે 1:45 વાગ્યે જમવાનો સમય થતાં ગ્રા.પં.નો કર્મચારી મુકુંદ પટેલ સરપંચ જીજ્ઞાસાબેનને બાઈક ઉપર સાયણ-ગોથાણ રોડના તેનાં ઘરે 'સ્વર્ગ પેલેસ' ખાતે મુકી ગયો હતો. અહીં સાસુ સાથે જમ્યા બાદ જીજ્ઞાસાબેન તેમના મકાનની ઉપરનાં રૂમમાં આરામ કરવા ગયા હતા. આ સમયે ઘરમાં તેની સાસુ, કામવાળી અને 10 વર્ષની દિકરી હીર ઘરમાં હતી. આ દરમિયાન તેમના પતિ અને ગામનાં માજી સરપંચ અશ્વિનભાઈ ઠક્કર કોઈ કામ અર્થે સુરત ગયા હતાં.
જીજ્ઞાસાબેન રૂમમાં ગયા બાદ તેમણે કોઈક કારણોસર આપઘાત કરી લીધું હતું. આ ઘટનાની જાણ મૃતકની દિકરી હીરને થતાં તેણે તેનાં પિતા અશ્વિન ઠક્કરને મોબાઈલ ફોનથી જાણ કરી હતી. અશ્વિન ઠક્કર સુરતથી ઘરે પહોંચે તે પહેલા ઘટનાની જાણ વાયુવેગે સાયણમાં પ્રસરતા ગ્રામ પંચાયતના કર્મચારીઓ સહિત સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં.
સાયણ પોલીસની મદદથી જીજ્ઞાસાબેનને ત્વરિત સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી. ઓલપાડ પીઆઈ સી.આર. જાદવે તેમના મૃતદેહને પીએમ માટે સાયણના સરકારી દવાખાનામાં ખસેડી હતી.