દૂષિત પાણી પીવા મજબૂર (ETV Bharat) સુરત : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનુ કઠોર ગામ સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવે છે. છેલ્લા બે મહિના જેટલા સમયથી કઠોર ગામના વલ્લભનગરના રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત થઈ ગયા છે. અહીં સુરત મહાનગરપાલિકા દ્વારા બોરિંગ મારફતે પાણી પહોંચાડાય છે. પરંતુ છેલ્લા બે મહિનાથી અહી દૂષિત અને ગંધ મારતું પાણી લોકોના ઘરોમા આવે છે.જેના પીવા અને વાપરવા લોકો મજબૂર બન્યા છે.
સેમ્પલો લેવાય પણ કાર્યવાહી નહીં : એવું નથી કે તંત્ર અજાણ છે કે સ્થાનિકો દ્વારા રજૂઆતો નથી થઇ.વારંવાર રજૂઆત કરવાના પગલેે 6થી 7 વાર પાણીના સેમ્પલ પણ લેવાયા છે. તેમ છતા કોઈ કાર્યવાહી થઈ રહી નથી. અગાઉ પણ આ ગામમાં દૂષિત પાણી પીવાથી 5 થી 6 લોકોના મૃત્યુ થયા છે તેવામાં વલ્લભનગરના રહીશોનુ ભયભીત થવું સ્વાભાવિક છે.
SMC ઝડપથી કામગીરી કરે તેવી લોકોની માંગ : કઠોર ગામમાં અવારનવાર દૂષિત પાણીની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અહી ફેલાતા પાણીજન્ય રોગોથી કેટલાક નિર્દોષ નાગરિકોએ જીવ પણ ગુમાવ્યો છે. તેવામાં સુરત મહાનગરપાલિકા સત્તાધીશો અને અધિકારીઓ વલ્લભનગરના રહીશોની સમસ્યાનો વહેલી તકે નિકાલ કરે તે જરૂરી બન્યુ છે.
સ્થાનિકોની રાવ ક્યારે ધ્યાને લેવાશે :સ્થાનિક લતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અમારા વિસ્તારમાં આ દૂષિત પાણી આવી રહ્યુ છે. જેને લઇને અમને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સુરત મહાનગરપાલિકા અધિકારીઓ દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી. અમારા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એ પહેલાં કામગીરી કરે એની જરુર છે.
- સુરત જિલ્લાના કઠોર ગામમાં દૂષિત પાણી પીવાથી 6 લોકોના મોત
- કઠોરની ઘટનામાં 6 મૃતકોના પરિવારજનોને મેયર ફંડમાંથી 1-1 લાખની સહાય