રુપાલાની લોકસભા ટિકીટ રદ કરો સુરત: રાજપૂત સમાજ અને ખાસ કરીને રાજપુતાણીઓએ હુંકાર ભરી છે કે કોઈપણ સંજોગોમાં ભાજપના નેતા રૂપાલાને તેમના નિવેદન બદલ માફ કરવામાં આવશે નહીં. રાજપૂત સમાજની મહિલાઓ એક લાખ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરશે કે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તેઓએ સ્પષ્ટ જણાવી દીધું છે કે રાજપૂતોની ગરિમાને આહત કરવામાં આવી છે જેથી કોઈ પણ સંજોગોમાં તેમને માફ કરવામાં આવશે નહીં.
એક લાખથી પણ વધુ પોસ્ટ કાર્ડ લખશે : ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના વિવાદિત નિવેદનના કારણે રાજપૂત સમાજમાં ભારે રોષ છે. સુરતમાં રાજપૂત સમાજની બહેનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક લાખથી પણ વધુ પોસ્ટ કાર્ડ લખી રૂપાલાને હટાવવા માટેની માંગ કરવામાં આવશે. આ પોસ્ટકાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવેદનપત્ર આપવા માટે સુરત જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. રૂપાલાની રાજકોટ બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગ સતત રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.
રજપૂતાણીઓની માગણી: રાજપુત સમાજના આગેવાન ધામિનીબાએ જણાવ્યું હતું કે, અમારી એક જ રજૂઆત છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય. અમારી જે ગરિમા અને સ્વાભિમાન ઉપર ટીકા ટિપ્પણી થઈ છે એ વારંવાર ન થવી જોઈએ. અમે અમારા સ્વાભિમાન માટે લડીએ છીએ. લોકશાહીની રીતે લડીએ છીએ. માફી માંગવી એ તો એવું થાય કે હું કાંઈ પણ બોલી દઉં અને પછી માફી માંગુ. એવું તો ઘણી વાર થયું છે. એવું ન થવું જોઈએ. તેઓ વડીલ છે બોલતા પહેલા વિચારવું જોઈએ.
અમારી ગરિમા ઉપર આવ્યું છે મોટું દિલ હંમેશાથી રાજપૂતોનું હતું અને રહેશે. પરંતુ હવે અમે માફી કરવાની કોઈ વિચારણા રાખી નથી. અમારી એક જ માંગ છે કે પરશોત્તમ રુપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે. રાજકોટ જે કાઠીયાવાડનો ગઢ છે જે રાજપૂતોનો ગઢ છે ત્યાં જ અમારું અપમાન થયું છે. અમે કોઈ પણ હિસાબે આ વાત પકડીને જ રાખીશું. રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એ જ માંગ છે. અમે એક લાખ પોસ્ટકાર્ડ લખીને પીએમ મોદીજીને મોકલીશું. તેઓ અમને બહેનો કહે છે, બહેનો પોતાના ભાઈને રિક્વેસ્ટ કરશે કે અમારી ગરિમા ઉપર આવ્યું છે સ્વાભિમાન પર આવ્યું છે. જેથી અમારી એક જ માંગ છે કે પીએમ મોદી અમને સપોર્ટ કરે. લોકસભા ચૂંટણીમાં અસર જોવા મળશે. ગામમાં રહેતા લાખો રાજપુતાણીઓ ઘરથી બહાર નથી નીકળતી. ગરિમાના નામે બહાર નીકળી છે. ભાજપ સામે અમને કોઈ વિરોધ નથી. ભાજપને હંમેશા રાજપૂતોએ સપોર્ટ કર્યો છે, હવે રાજપૂતો ભાજપ પાસે સપોર્ટ માંગે છે. અમારી ગરિમા અને સ્વાભિમાન માટે ભાજપ અમને સપોર્ટ કરે...ધામિનીબા આગેવાન રાજપૂત સમાજ
કોઈપણ સંજોગે માફ કરવામાં આવશે નહીં : અન્ય રાજપુતાણી રેખાબાએ જણાવ્યું હતું કે, મને રુપાલા સાહેબને માત્ર આટલું જ કહેવાનું છે કે, જે સમાજ માટે ગૌરવ કરવા જેવી વાત છે, જે સમાજ માટે ગૌરવ કરવું જોઈએ. તે સમાજ માટે તમે અભદ્ર ટિપ્પણી કરો એ યોગ્ય નથી. અમારી એ જ માંગણી છે કે રુપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે. તેમને હંમેશા માટે દૂર કરવા જોઈએ. અમારી આન બાન અને શાન પર આવી ગઈ છે. ભાજપના ઉચ્ચ નેતાઓને અમે એટલું જ કહેવા માંગીશું કે અમને ન્યાય આપો. રુપાલા ન કોઈપણ સંજોગે માફ કરવામાં આવશે નહીં.
- ક્ષત્રિય સમાજ ઉગ્ર બન્યો, રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નત્યાગ કરશે પદ્મિનીબા વાળા - Parshottam Rupala
- ક્ષત્રિય સમાજનો રોષ ઠાળવા ભાજપ પ્રદેશ મોવડી મંડળ મેદાનમાં - ભાજપ પ્રદેશ મોવડી મંડળ