સુરત: શહેરની એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે ટીમને ડાંગ જિલ્લાના વઘઇથી રાત્રિના સમયે સરકારી અનાજનો જથ્થો ભરેલી ટ્રકની ચોરી થઈ હોવાની બાતમી મળી હતી. આથી સુરતની એલસીબી/પેરોલો શાખાની અલગ અલગ ટીમ દ્વારા સુરત જિલ્લામાં અલગ અલગ રૂટ પર નાકાબંધી કરવામાં આવી હતી. તેમજ અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા: આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, માંડવી ગામની હદમાં ધોબણી નાકાથી તરસાડા જતાં માર્ગ પર મસીદખાન નામનો ઈસમ તેના સાગરીતો સાથે ટ્રક નંબર GJ15AV3033 તથા ટ્રક નંબર UV70CT5467માં અનાજનો જથ્થો ભરી કોઈને વેચાણ કરવા માટે આવ્યો છે. આ બંને ટ્રકમાં ભરેલો અનાજનો જથ્થો ત્યાંથી સગેવગે કરવાની પેરવીમાં છે. જેથી બાતમીના આધારે પોલીસે રેડ કરતા બંને ટ્રક સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો.
શખ્સોએ સમગ્ર ઘટનાનો કર્યો ખુલાસો: પોલીસને એક ટ્રકમાંથી સરકારી અનાજ ઘઉંનો જથ્થો તેમજ બીજી ટ્રકમાંથી ખાનગી મકાઈનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓ મસીદખાન જુમેય ખાન (ઉ.વ.44, રહે કુલ્હીપુર, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ), મોહમદ સહેનશા મોહમદ ગુલહશન (ઉ.વ.24, રહે. મવયામિયા, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) અને મોહમદ સમીર નસીબ કુરેશી (ઉ.વ. 19, રહે કુલ્હીપુર, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, 'ટ્રક નંબર UV70CT5467ના માલિક મસીદખાન પોતાની ટ્રકમાં નાસિકથી મકાઈ ભરી આવતા હતા. તે સમયે વઘઈ નજીક સરકારી અનાજ ભરેલી ટ્રકને તમામ શખ્સે ભેગા મળી ચોરી કરી લીધી હતી અને પોતાની ટ્રકમાં ભરેલો મકાઈનો જથ્થો જે અમદાવાદ આપવાનો હતો, તેને પણ બારોબાર વેચાણ કરવાનું નક્કી કર્યુ હતું.