સુરત : છેલ્લા કેટલાક સમયથી માંડવી તાલુકાના અરેઠ ગામે સ્ટોન કવોરીને લઈ ગ્રામજનો વિરોધ કરી રહ્યો છે. મંગળવારના રોજ કવોરી બંધ કરવાની માંગ સાથે ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને ગામ બંધ રાખ્યું હતું. જોકે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે હાલ ગ્રામજનોની આ લડાઈમાં હવે માંડવી તાલુકાના સરપંચ એસોસિયેશન પણ જોડાઈને માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું. સ્ટોન કવોરીમાં થતા બ્લાસ્ટને કારણે ભય અને કંપનની સ્થિતિનું નિર્માણ થાય છે જેની અસર માનવ જીવન પર થઈ રહી છે. ગ્રામજનોનું જીવન દોજખ બની ગયું છે Dvs પાણીના સ્તર પણ નીચા ઉતરી ગયા છે. આ ઉપરાંત પર્યાવરણને પણ અસર થઈ રહી છે.
લડત ચાલુ રહેશે : માંડવી તાલુકાના અરેઠ ગ્રામ પંચાયતના સભ્ય હીનાબેને જણાવ્યું હતું કે સ્ટોન કવોરીઓને લઈને અમારા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સતત ધરતીકંપના આંચકા આવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ઘરોને શાળાઓમાં તિરાડો પડી ગઈ છે. જ્યાં સુધી સ્ટોન કવોરીઓ બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.
અધિકારીએ કરી સ્પષ્ટતા : માંડવી મામલતદાર એફ પી વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિકો દ્વારા સ્ટોન ક્વોરીઓથી તેઓને પડતી હાલાકીને લઈને આ બાબતે રજૂઆતો કરવામાં આવી રહી છે. જેને લઇને સુરત જિલ્લા કલેકટર દ્વારા એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે.
શા માટેે વિરોધ : ઉલ્લેખનીય છે કે આ લડત લાંબા સમયથી તબક્કાવાર ચાલી રહી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામની સીમમાં ધમધમતી સ્ટોન ક્વોરી વિરુદ્ધ સ્થાનિકોએ વિરોધનો અવાજ બુલંદ બનાવેલો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનો આ મામલે વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જ અરેઠના લોકોએ સ્ટોન ક્વોરી બંધ કરાવવા તંત્રનું ધ્યાન દોરવા માટે સંપૂર્ણ ગામ સજ્જડ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો વિરોધ એવો ઉગ્ર હતો કે જિલ્લા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અરેઠ ગામની સીમમાં ધમધમી રહેલા સ્ટોન કવોરીમાં થતાં બ્લાસ્ટને લઈને સ્થાનિકો ધરતીકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે. લોકોના ઘર અને બાંધકામને મોટાપાયે નુકસાન જોવા મળી રહ્યું છે. આ સિવાય પણ સ્ટોન ક્વોરીની અન્ય અસરો થતી હોવાથી ગ્રામજનો સ્ટોન ક્વોરીનો ખૂબ વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે.
- Surat Stone Quarries : સ્ટોન ક્વોરી વિરુદ્ધ ગ્રામજનોએ બાંયો ચડાવી, અરેઠ ગામ સજ્જડ બંધ
- Surat News : અરેઠ ગામે સ્ટોન ક્વોરી સામે વિરોધ વધુ આગળ પહોંચ્યો. તંત્રને ચીમકી અપાઇ