વનવિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંડણ ગામે ગત રાત્રી દરમિયાન બિલાડીનો શિકાર કરવા પીછો કરતી દીપડી કૂવામાં પડી ગઇ હતી. જેને ગપલે ઊેગાં થયેલા ગામજનોએ વન વિભાગને જાણ કરી હતી. ત્યારે દીપડીને બચાવવા માટે રાતના સમયે વનવિભાગની ટીમમાં દોડધામ મચી ગઇ હતી પરંતુ છેવટે દીપડીને રેસ્ક્યૂ કરી દીપડીને બચાવી લીધી હતી.
ખેતરમાં આવેલા કૂવામાં પડી ગઇ દીપડી :માંડણ ગામના ખેડૂત અભુભાઇ બાવાભાઈ ચૌધરીના ખેતરમાં આવેલ કૂવામાં દીપડી પડી ગઇ હતી. આ વિશેની જાણ ગામજનોએ થઇ હતી. જેના પગલે વાંકલ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હીરેનભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી. ત્યારે તેઓ બચાવના સાધનો સાથે તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
દીપડીને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી : દીપડી પડી ગઇ હતી તે સ્થળ પર પહોંચેલી વનવિભાગની ટીમે દીપડીનું સલામત રેસ્ક્યૂ કરવા માટે વનવિભાગની ટીમે પ્રયાસો આદર્યાં હતાં. કૂવામાં પાંજરું ઉતારીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. છેવટે સહીસલામત રીતે દીપડીને બહાર કાઢી હતી. જ્યારે કૂવામાંથી એક બિલાડી મૃત હાલતમાં મળી આવી હતી. જેથી બિલાડીનો શિકાર કરતા દીપડી કૂવામાં પડી હોવાનું ફલિત થઈ રહ્યું છે. વનવિભાગના અધિકારીઓ જણાવ્યું કે રેસ્ક્યુ કરી પાંજરામાં પૂરવામાં આવેલ દીપડી અંદાજિત ચાર વર્ષની છે.
રેસ્ક્યુ સેન્ટર ખાતે દીપડીને લઈ જવાઇ :વાંકલ રેન્જના RFO હિરેન ભાઈએ જણાવ્યું હતું કે હાલ ઝંખવાવ ખાતે આવેલા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે દીપડીને લઈ જવામાં આવી છે. દીપડીને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરવામાં આવશે. ઉપરોક્ત કામગીરી ફોરેસ્ટર ગંગાબેન ચૌધરી, હિતેશભાઈ માલી, ફીલીપભાઈ ગામીત, નારણભાઈ ચૌધરી શર્મિલાબેન ચૌધરી વગેરે દ્વારા કરવામાં આવી હતી.
- Snake In The School: અવાખલ પ્રાથમિક શાળામાં 5 ફિટનો સાપ 'ભણવા' આવ્યો, રેસ્ક્યૂ કરાયેલા સાપને વન વિભાગને સોંપાયો
- Jamnagar News : બોરવેલમાં પડેલા બાળકનો આબાદ બચાવ, નવ કલાક ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન