સુરત : સુરતથી 10 કિ.મીના અંતરે આવેલું ચોર્યાસી તાલુકાનું ભીમરાડ ગામ ગાંધીજીની દાંડીયાત્રાનો રસપ્રદ ઈતિહાસ ધરાવે છે. વર્ષ 1930માં અંગ્રેજો દ્વારા લગાવાયેલા મીઠા પરના કરની નાબૂદી માટે 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદથી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ ભીમરાડમાં સંબોધેલી જાહેરસભામાં 30000 વધુ નાગરિકો જોડાયા હતાં. એટલે જ સુરત જિલ્લાનું ભીમરાડ ગામ ઈતિહાસમાં અંકિત છે.
ગાંધી સ્મારક આશ્રમનું ભવ્ય નિર્માણ : ભીમરાડની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના આદર્શ મૂલ્યોને જાળવવા અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવાના હેતુસર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભીમરાડને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 13 કરોડના ખર્ચે ‘ ગાંધી સ્મારક આશ્રમ ’નું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
અંગ્રેજોએ લાદેલા મીઠાના કરની નાબૂદી માટે 12 માર્ચ 1930ના રોજ અમદાવાદથી પ્રારંભાયેલી દાંડી યાત્રાની 6 એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થઈ હતી. દાંડીથી પરત ફરી 9 એપ્રિલ 1930ના રોજ ગાંધીજી સહિત અન્ય સત્યાગ્રહીઓએ સંબોધેલી સભાને આજે 94 વર્ષ પૂરા થયા છે. સમગ્ર કાંઠા વિસ્તાર ચોર્યાસી તાલુકા ગ્રામજનો અને શહેરીજનો યાત્રામાં જોડાયા હતાં. ભીમરાડ ખાતે મહાત્મા ગાંધીજી 9 એપ્રિલ ૧1930ના રોજ આવી પહોચ્યા હતાં. તે સમયે ગામના વડીલ પરભુદાદા આહીરે પોતાના સ્વહસ્તે બાપુને દૂધનો ગ્લાસ પીવડાવ્યો હતો...બળવંતભાઈ પટેલ (પ્રમુખ, ભીમરાડ ગાંધી સ્મારક સમિતિ )
પ્રોજેક્ટની વિશેષતાઓ : વધુમાં તેમણે કહ્યું કે, ‘મારું જીવન એ જ મારો સંદેશ છે’ એવા ગાંધીજીના વિચારો આજે 21મી સદીના ત્રીજા દાયકામાં પણ એટલા જ સ્વીકૃત છે. જે કારણે ભીમરાડ ગામને ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની નેમ સાથે રાજ્ય સરકારે 13 કરોડની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં છે અને આગામી બે વર્ષમાં તે સાકારિત થશે. પ્રોજેક્ટની વિશેષતાઓ જણાવતા તેમણે કહ્યું કે, ગાંધી સ્મારક આશ્રમમાં ગાંધી સભાગૃહ, મ્યુઝિયમ, પ્રાર્થના અને મલ્ટીપર્પઝ હોલ, પુસ્તકાલય, પ્રદર્શન હોલ, સંશોધન કેન્દ્ર, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, સ્પોટર્સ એક્સિવિટી ગ્રાઉન્ડ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ટોયલેટ બ્લોક્સ અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.