પોલીસ કસ્ટડીમાં આરોપીના રહસ્યમય મોત પરથી પડદો ઉઠ્યો સુરત :સુરત શહેરના પોશ વિસ્તારમાં એક વેપારી પર મોલમાં ઉભેલી યુવતી સાથે છેડતી કરવાના આરોપસર લોકોએ ઢોર માર માર્યો હતો. બાદમાં પોલીસે આ શખ્સની અટક કરી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં અચાનક તે ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે આ વ્યક્તિનું મોત નીપજતા મામલો કસ્ટોડિયલ ડેથ અને મોબ લિન્ચિંગ વચ્ચે અટવાયો હતો. પરંતુ હવે સમગ્ર દ્રશ્ય સાફ થઈ રહ્યું છે.
શું હતો બનાવ ? પોલીસને કંટ્રોલ રૂમમાંથી જાણકારી મળી હતી કે શહેરના વેસુ વિસ્તારમાં આવેલા વેસ્ટ કોમ્પ્લેક્સ નજીક એક વ્યક્તિ યુવતીની છેડતી કરી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પરંતુ પોલીસ પૂછપરછ દરમિયાન આ વ્યક્તિએ જણાવ્યું હતું કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. આ સાથે જ અચાનક તે બાંકડા પર ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મોબ લિંચિંગનો બનાવ :પોલીસ કસ્ટડીમાં થયેલા મોત મામલે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું હતું કે, જ્યારે લોકોને ખબર પડી કે આ વ્યક્તિ યુવતીને બિભત્સ ઈશારા કરી છેડતી કરી રહ્યો છે. ત્યારે લોકો એકત્ર થઈ ગયા અને પહેલા આરોપીને માર માર્યો અને તેને જવા માટે કહેવામાં આવ્યું. પરંતુ થોડા સમય બાદ અન્ય લોકો ત્યાં આવ્યા અને આરોપીને ફરીથી ખેંચીને લાવ્યા તથા ઢોર માર માર્યો હતો. પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, મૃતકના માથામાં બોથડ પદાર્થથી ઇજા કરવામાં આવી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
ઘટના CCTV કેમેરામાં કેદ :આ સમગ્ર મામલે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, 16 માર્ચ રાત્રી દરમિયાનની આ ઘટના છે. વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સના પહેલા માળે એક આરોપી બીભત્સ હરકતો કરી રહ્યો હોવાની જાણકારી પોલીસને મળી હતી. ત્યાર પછી તે વ્યક્તિ બેઝમેન્ટમાં ચાલી ગયો હતો. ત્યાં અમન અને તેના મિત્રોએ તેને માર માર્યો હતો. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળે છે. ત્યાર પછી આ લોકોએ તે વ્યક્તિને ત્યાંથી ભગાડી દીધો હતો. પછી ત્યાં ફેશન ડિઝાઇનિંગ ક્લાસ ચલાવનાર અનુપમ ગોયલ આવ્યા. આ ઘટનાની જાણકારી મળતા તેણે પોતાના સાથીઓને મોકલી તે વ્યક્તિને ફરીથી પકડી લાવવા માટે કહ્યું હતું.
વેસુ પોલીસની કાર્યવાહી : DCP વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું કે, આરોપી 200 મીટર સુધી ચાલ્યો ગયો હતો. પરંતુ આ લોકો તેને ફરીથી લઈને આવ્યા હતા. આરોપીને 10 થી વધુ લોકો બેઝમેન્ટમાં લઈ ગયા અને ઢોર માર માર્યો હતો. જેના કારણે તેને ઇજા થઈ હતી. અનુપમના કહેવા પર રાકેશ નામના યુવકે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને વેસુ પોલીસ મથક લઈ આવ્યા હતા.
મૃતકના છેલ્લા શબ્દો : આરોપીને ઇન્વેસ્ટીગેશન રૂમમાં બેસાડીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. સાથે જે લોકોએ મારપીટ કરી હતી તે લોકોને પણ અમે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. વેપારીએ આ વચ્ચે ફરિયાદ કરી કે તેને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. મને પાણીની જરૂરિયાત છે. તેમણે જણાવ્યું કે છાતીમાં દુખાવો વધી ગયો છે અને ત્યાર પછી તે બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા છે.
9 શખ્સોની ધરપકડ : પોલીસમાંથી મળતી માહિતી અનુસાર મૃતક 40 વર્ષીય કાપડના વેપારી સાગર નવેતીયા છે. મોબ લિંચિંગની ઘટનામાં યુવતી સાથે છેડતી કરવાના આરોપસર વેપારીને માર મારવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગે મોલના વેપારીઓ અને કર્મચારીઓ સામેલ છે. આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે. જેમાં અમન, રાજેશ, અક્ષય, અનુપમ, વીર, કલ્પેશ, નીતિન, સુરેશ, તુષાર અને ધર્મેશ નામના વ્યક્તિ સામેલ છે.
- Surat Custodial Death : સુરત પોલીસ કસ્ટડીમાં વેપારીનું શંકાસ્પદ મોત, ACP વી.આર. મલ્હોત્રાને તપાસ સોંપાઈ
- Surat Accident: પ્રતિબંધિત સમયમાં બેફામ દોડતા ડમ્પર, બે બહેનોને અડફેટે લીધી, એકનું મોત