સુરતઃ તાપી શુદ્ધિકરણ યોજના અંતર્ગત માંડવીના ખંજરોલીમાં ગટરની સાફ સફાઈ ચાલતી હતી. ગટરની સફાઈ માટે કુલ 4 મજૂર આવ્યા હતા. જેમાંથી 2 મજૂરો ગટરમાં ઉતર્યા હતા. આ બંને મજૂરો ગૂંગળાયા હતા. જો કે કોન્ટ્રાક્ટરની સમય સૂચકતા વાપરી જાતે ગટરમાં ઉતરીને ગૂંગળાયેલા બંને મજૂરોને મહામહેનતે બહાર કાઢ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ ખંજરોલી ગામે તાપી શુદ્ધિકરણ યોજના અંતર્ગત ગટર લાઈનની સાફ સફાઈ માટે મૂળ ઘલા ગામના રહેવાસી રણછોડ રાઠોડ, તેમના પિતા છના રાઠોડ, મુકેશ રાઠોડ અને દીપક રાઠોડને કોન્ટ્રાક્ટર ઉત્સવે હાયર કર્યા હતા. આ ચારેય મજૂરો છોટાહાથી ટેમ્પોમાં બેસી ખંજરોલી પહોંચ્યા હતા. જ્યાં ગટર લાઈનની એક તરફ રણછોડ રાઠોડ, દીપક રાઠોડ તથા કોન્ટ્રાક્ટર ઉત્સવ ગયા હતા. જ્યારે બીજી તરફ મુકેશ રાઠોડ ગટરનું ઢાંકણું ખોલી અંદર ઉતર્યો હતો. મુકેશ રાઠોડે થોડી વારમાં જ ગભરામણને લીધે બૂમાબૂમ કરી મુકી. આ બૂમાબૂમ સાંભળીને છના રાઠોડ મુકેશને બચાવવા ગટરમાં ઉતર્યા હતા. જો કે છના રાઠોડનો પણ જીવ ગૂંગળાયો હતો. બંને જણા બૂમાબૂમ કરતા કોન્ટ્રાક્ટર તથા અન્ય મજૂરો દોડી આવ્યા હતા. કોન્ટ્રાકટર ઉત્સવે સમય સૂચકતા વાપરીને ગટરમાં ઉતરી ગયા હતા. કોન્ટ્રાક્ટરે મહામહેનતે બંને મજૂરોને બહાર કાઢ્યા હતા.