યોગ્ય માવજતની માંગણી કરતા સ્થાનિકો સુરતઃ શહેરના હદવિસ્તરણ અને વધતી વસ્તીની સાથે જ માળખાગત સુવિધાઓ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં આવા જ 2 અને વિશાળ કહી શકાય એવા લેક ગાર્ડન અડાજણ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. કરોડોના ખર્ચે બનેલા કવિ કલાપી લેક ગાર્ડન, પાલ લેક ગાર્ડન અને ખટોદરા લેક ગાર્ડન કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે.
મનપાની ઉદાસીનતાઃ સુરત મનપાની ઉદાસીનતા અને યોગ્ય માવજતના અભાવે લેક ગાર્ડનના મુખ્ય તળાવમાં ગંદું પાણી એકત્ર થઈ રહ્યું છે. આ ગંદા પાણીમાં ઘાસ પણ ઊગી નીકળ્યું છે. લેક ગાર્ડનની આવી અવદાશાને લીધે સ્થાનિકોમાં પણ રોષ વ્યાપી ગયો છે. મનપાના ગાર્ડન વિભાગના નીરસ વલણને જોતાં વિવિધ લેક ગાર્ડનની સુંદરતા અને નૂર ઊડી ગયું હોવાની વ્યાપક ફરિયાદો પણ જોવા મળે છે.
જાળવણીને અભાવે સુરતનો લેક વ્યૂ ગાર્ડન બિસ્માર હાલતમાં 245 ગાર્ડન માટે માત્ર 10 કરોડની જોગવાઈઃ સુરતમાં અત્યારે 130 ગાર્ડન, 29 લેક ગાર્ડન અને 78 જેટલા શાંતિકુંજ એમ કુલ મળીને 245 ગાર્ડન અસ્તિત્વ ધરાવે છે. રાંદેર ઝોનમાં 6 અને અઠવા ઝોનમાં સૌથી વધુ 8 જેટલા લેક ગાર્ડન આવેલા છે. જુદા જુદા ઝોનમાં આવેલા લેક ગાર્ડન પૈકી અનેકની હાલત બિસ્માર છે. લેક ગાર્ડનમાં આવેલા તળાવમાં ગંદું પાણી તેમજ ઘાસ ઊગી નીકળ્યું હોવાની સ્થિતિ જોવા મળે છે. એટલું જ નહીં, આટલી મોટી સંખ્યામાં બાગ-બગીચા હોવા છતાં મનપાના બજેટમાં 2023-24માં 7.25 કરોડ અને આગામી વર્ષમાં 10.61 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
અમને મળેલ અનેક ફરિયાદોમાં લોકોએ જણાવ્યું કે, ગાર્ડનમાં પાણી સુકાઈ જતા અનેક પ્રકારની હાલાકી થઈ છે, ગંદકી પણ જોવા મળે છે. આ તળાવમાં પાણીનો સ્રોત વરસાદનું પાણી હોય છે. જેથી અમે વોટર હાર્વેસ્ટિંગ થકી બાર માસે તળાવમાં પાણી આવતું રહે તેવી વ્યવસ્થા કરીશું...બ્રિજેશ ઉનડકર(સભ્ય, ગાર્ડન સમિતિ, સુરત)
પાલિકા દ્વારા નિર્મિત ગાર્ડનમાં અમે પરિવાર સાથે જતા હોઈએ છીએ પરંતુ ત્યાં જે પણ તળાવ બનાવવામાં આવ્યા છે, તે સુકાઈ ગયા છે. આ ઉપરાંત ગાર્ડનની વનસ્પતિ પણ સુકાઈ રહી છે. મનપાએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ...પૂજા જાદવ(સ્થાનિક, સુરત)
હું રોજે વોકિંગ માટે ગાર્ડન જવું છું પરંતુ લેક વ્યૂ ગાર્ડન ખાતે પાણી સુકાઈ જતા અનેક સમસ્યા લોકોને થાય છે. પાલિકા આ અંગે વ્યવસ્થિત યોજના બનાવે તે જરૂરી છે. અહીં મચ્છરોના કારણે રોગચાળો પ્રસરશે તેવી ભીતી પણ છે...યશ(સ્થાનિક, સુરત)
શાસકપક્ષના દંડકે મુદ્દો ઉઠાવ્યોઃ પાલિકાના શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયા વાલા દ્વારા બજેટ માટેની સામાન્ય સભામાં કવિ કલાપી અને પાલ લેક ગાર્ડનની સ્થિતિ અંગે સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કવિ કલાપી અને પાલ લેક ગાર્ડનના તળાવમાં પાણી રહેતુ નથી. ટેકનીકલ પ્રોબ્લેમને કારણે તળાવમાંથી પાણીનું લીકેજ થઈ જાય છે. માત્ર ચોમાસાની સિઝન પૂરતું જ વરસાદી પાણી તળાવમાં જોવા મળે છે. તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. શક્ય હોય તો પીપીપી ધોરણે લેક ગાર્ડનની માવજત કરવી જોઇએ. દંડક દ્વારા પાલિકા કમિશનરને પણ રજૂઆત કરાઇ છે.
- Surat News: સુરત મનપા વિપક્ષનો હલ્લાબોલ, ભાજપના નગરસેવક ઉપર બંગડી ફેંકી વિરોધ
- જાહેર સ્થળો પર થૂંકનાર સૂરતીને મળી રહ્યા છે ઈ મેમો, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર રાખી રહ્યું છે વોચ