સુરતઃ બે પાડા લડે અને ઝાડની ખો નીકળી જાય તે કહેવત કામરેજ તાલુકાના ખોલવડ ગામે સાચી પડી છે. રુપિયા 70000ની લેતી દેતીની લડાઈમાં 2 જણ ઝઘડતા હતા. આ બંનેને ઓળખીતો યુવાન બંનેને છોડાવવા વચ્ચે પડ્યો. આરોપીને આ દરમિયાનગીરી પસંદ ન આવી. તેણે વચ્ચે પડેલા નિર્દોષની છાતીમાં ચપ્પુ હુલાવી દીધું. મરણતોલ ઈજાને લીધે આ નિર્દોષનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
સમગ્ર ઘટનાક્રમઃ મૂળ સૌરાષ્ટ્રના અને હાલ કામરેજના ખોલવડ ખાતે આવેલ વર્ણી વિલા સોસાયટીના મકાન નં 9 ખાતે રહેતા 43 વર્ષીય શૈલેશ વસૌયા માધવભાઈના નાના ભાઈ પ્રવીણ વસોયા સાથે કામ કરે છે. ખોલવડની ઓપેરા પેલેસના ગેટ પાસે શૈલેશ વસોયાનો મિત્ર પ્રફુલ ડોબરિયાએ ઓપેરા પેલેસ ખાતે રહેતા વૈભવ ફૂલાભાઈ સિંગાળા નામના વ્યક્તિને આપેલા 70 હજાર રૂપિયાની ઉઘરાણી કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન વૈભવ સિંગાળાએ અપશબ્દો બોલતાં સ્થળ ઉપર હાજર શૈલેશભાઈ અને જગદીશભાઈ અને શ્યામભાઈ સહિતના વ્યક્તિઓએ વૈભવને અપશબ્દો બોલવાની ના પાડી હતી. તેથી વૈભવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પેન્ટના ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શૈલેશભાઈને છાતીના ભાગે ચપ્પુથી ઈજા કરવામાં આવી હતી. મરણતોલ ઈજાને લીધે શૈલેષભાઈનું સ્થળ પર કરુણ મૃત્યુ થયું હતું. વૈભવ ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.