અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં જાહેર સ્થળો અને જાહેર માર્ગ પર ધાર્મિક દબાણના નામે જગ્યાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. ગેરકાયદે ધાર્મિક દબાણના બાંધકામ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટુ અરજી લીધી છે. આ મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને રાજ્ય સરકારે આ અંગે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે.
ગેરકાયદે ધાર્મિક બાંધકામ તોડી પાડવાનો આદેશ
ગુજરાત રાજ્યની અંદર ગેરકાયદે ધાર્મિક દબાણના કરનારની હવે ખેર નહીં. હાઇકોર્ટે ગેરકાયદે ધાર્મિક સ્થળોના બાંધકામને લઈ લાલ આંખ કરતા તાત્કાલિક ધોરણે તોડી પાડવાનો આદેશ કર્યો છે. આની સાથે હાઇકોર્ટે કડક વલણ અપનાવતા ગેરકાયદે બાંધકામ મુદ્દે અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા તંત્રને આદેશ કર્યો છે. હાઇકોર્ટે આ અંગે જણાવ્યું હતું કે, ગેરકાયદે થયેલા ધાર્મિક બાંધકામ ચલાવી લેવાય નહીં, ધાર્મિક સ્થળના નામે જગ્યાઓનો દુરુપયોગ યોગ્ય નથી. હાઇકોર્ટે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં તંત્ર નિષ્ફળ હોવાની નોંધ પણ લીધી છે અને અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો છે. આ સાથે ગેરકાયદે બાંધકામ મુદ્દે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ કાર્યવાહીનો આદેશ પણ હાઇકોર્ટે કર્યો છે.
અમદાવાદમાં જ 503 ધાર્મિક સ્થાનો પર ચાલ્યા બુલડોઝર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં અનેક સ્થળો પર અનઅધિકૃત રીતે ધાર્મિક સ્થાનોના બાંધકામ કરાયા હોવાની નોંધ લેતા સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ દાખલ કરવામાં આવી હતી. જે અંગે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘણા સમયથી જાહેરમાં માર્ગો પર આડેધડ ધાર્મિક સ્થાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ જાહેરમાં અનઅધિકૃત એવા ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા. જેમાં જિલ્લા વિસ્તારના 236 અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારના 267 સહિત કુલ 503 જેટલા ધાર્મિક સ્થાનોના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા હતા. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવાને લઈને કુલ 2975 નોટિસ જાહેર કરાઈ હતી.