ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ : સગા ભાઈ બહેન સહિત ત્રણના મોત, આરોપી કારચાલક ઝડપાયો - SURAT HIT AND RUN

સુરતમાં એક હિટ એન્ડ રનનો બનાવ સર્જાયો છે. લસકાણા ચાર રસ્તા પાસે એક કારચાલકે બે બાઈકને અડફેટે લીધા હતા. જાણો સમગ્ર બનાવ...

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2025, 3:26 PM IST

સુરત : છેલ્લા કેટલાક સમયથી સુરતમાં હિટ એન્ડ રનના કિસ્સા વધી રહ્યા છે. હાલમાં જ સુરતના લસકાણા ચાર રસ્તા પાસે સાંજે પૂરપાટ હંકારતા કાર ચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર મારી હતી. આથી કાર BRTS રોડમાં ઘૂસીને પલટી થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકચાલકના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

સુરતમાં હિટ એન્ડ રન :મળતી માહિતી પ્રમાણે, કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઈ ગજેરા અને તેની બહેન શોભા સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યા હતા. તે સમયે લસકાણા ચાર રસ્તા પાસે કાર ચાલકે પૂરપાટ ઝડપે હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી હતી. ત્યારબાદ બીજી બાઇક ચાલક 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠીયાને પણ કારે અડફેટે લીધા હતા.

અકસ્માતમાં ત્રણ નિર્દોષોનો ભોગ લેવાયો :બે બાઈકને અડફેટે લીધા બાદમાં કાર BRTS રોડમાં ઘૂસી ગઈ અને ત્યાં પલટી થઈને ડિવાઈડર સાથે ભટકાઇ હતી. જેમાં ગંભીર ઈજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઈ લાઠીયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, બંને યુવકોને ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેઓનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બેફામ કારચાલક પણ ઝડપાયો :બીજી તરફ અકસ્માત કર્યા બાદ કાર BRTS રૂટમાં ઘૂસી પલટી મારી ગઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા કારચાલકની કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતો અરજણ બાલુભાઈ વિરાણી (ઉ.વ.34 રહે. મમતા પાર્ક સોસાયટી, કાપોદ્રા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details