સુરત :ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. જેને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલના રેસીડન્ટ તબીબ અને એક વેપારીને ડેન્ગ્યુના કારણે મોત થયું હતું.
મહિલા તબીબને થયો ડેન્ગ્યુ :સુરત શહેરની સ્મીમેર મેડીકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી અને એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતી યુવતી ડો. ધારાને અઠવાડિયાથી બીમારી થતા તેઓએ પહેલા જાતે જ સારવાર કરી હતી. બીમાર હોવા છતાં પોતાની ફરજ પર હાજર રહ્યા હતા. જોકે અચાનક ઉલટી થવા લાગી અને તબિયત નાજુક થઈ ગઈ હતી.
સારવાર દરમિયાન યુવતીનું મોત :યુવતીને પ્રથમ સ્મીમેર હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવી હતી. મહિલા તબીબની સ્થિતિ બગડતા ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ વિનસમાં લઈ જવાયા હતા. ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં તેઓનું મોત નીપજ્યું હતું. હાજર તબીબે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુની બીમારી સિવાય તેઓ લીવર ઇન્ફેકશનથી પણ પીડાતા હતા.
રોગચાળાએ માથું ઉચક્યું :શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા તાવની બીમારીમાં લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા અઠવાડિયામાં નવ લોકોના તાવની બીમારીમાં સપડાયા બાદ મોત નીપજ્યા છે. જેમાં બે લોકોના ડેન્ગ્યુની તાવમાં સપડાયા બાદ મોત થયા છે. ડિંડોલી અને લિંબાયતની બે બાળકો સહિત ચોક, પુણા, સરથાણા સહિતના વિસ્તારોમાં 35થી નાની ઉંમરના લોકોના તાવની બીમારીમાં ભોગ લેવાયા છે.
- ખાનગી દવાખાનામાં ડેન્ગ્યુના દર્દીઓ પણ મહાનગરપાલિકાને ચોપડે એકેય કેસ નથી
- ચોમાસું શરુ થતા સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું, આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું