નકલી સરકારી અધિકારી બનીને લોકોને ઠગતી મહિલા સુરતમાંથી ઝડપાઈ સુરતઃ નકલી સરકારી અધિકારી બનીને ઠગતી મહિલાની સુરત પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. આ મહિલા ઠગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ અવાચક થઈ ગઈ છે. આ મહિલા ઠગે ખોટા સરકારી અધિકારીની ઓળખ આપીને મોબાઈલ ગુમ થવાની અરજી નોંધાવી હતી. આ અરજીની કોપીથી લોકોને વિશ્વાસમાં લઈને લાખોની ઠગાઈ કરી છે. સુરત સિવાય આ અઠંગ મહિલા નવસારી અને તાપી જિલ્લામાં પણ નકલી સરકારી અધિકારી બનીને ઠગાઈ કરી ચૂકી છે.
12 લાખના દાગીનાની ઠગાઈઃ આ મહિલા ઠગે નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને ચામુંડા જ્વેલર્સમાંથી 12 લાખના દાગીનાની છેતરપિંડી કરી હતી. તેણીએ જ્વેલરને જણાવ્યું હતું કે, તમારી દુકાનમાંથી મારે સોનાના દાગીના ખરીદવા છે. તેણીએ છેતરપીંડીના એક દિવસ અગાઉ પોલીસ મથકમાં પોતાની ઓળખ ડેપ્યુટી કલેકટર, ગાંધીનગર આપીને મોબાઈલ સ્નેચિંગની અરજી આપી હતી. આ અરજી બતાવીને ચામુંડા જ્વેલર્સ પાસેથી તેણીએ ₹12,00,000ના દાગીનાની છેતરપીંડી કરી હતી. આ દાગીના વેચીને તેણીએ અને તેના પાર્ટનરે રુપિયા ઊભા કરી લીધા હતા. તેણી સુરતમાં ડેપ્યુટી કલેક્ટર બનીને આવી હતી અને છેલ્લા 15 દિવસથી એક હોટલમાં પોતાના પ્રેમી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી.
નવસારી અને તાપીમાં પણ છેતરપીંડીઃ તાપી અને નવસારી જિલ્લામાં પણ આ મહિલા લોકોને ઠગી ચૂકી છે. તાપી જિલ્લામાં તેણી નકલી આરોગ્ય અધિકારી બની હતી. યુવાનોને આરોગ્ય વિભાગમાં નોકરી અપાવવાના નામે છેતરપીંડી કરી હતી. નવસારીમાં તેણીએ નકલી નાયબ મામલતદાર તરીકે પોતાની ઓળખ આપી હતી. આ મહિલા ઠગ વિરુદ્ધ તાપી અને નવસારી પોલીસ મથકમાં 5 જેટલી ફરિયાદ નોંધાઈ છે.
ચામુંડા જ્વેલર્સના માલિકને ઠગતા અગાઉ એક દિવસ પહેલા જ પોલીસ મથકમાં પોતાની ઓળખ ડેપ્યુટી કલેકટર ગાંધીનગર આપીને મોબાઈલ સ્નેચિંગની અરજી આપી હતી. આ અરજી બતાવીને ચામુંડા જ્વેલર્સ પાસેથી તેણે ₹12,00,000ની છેતરપિંડી હતી. એટલું જ નહીં તે થાર ગાડી ખરીદવાની હતી પરંતુ ચેક બાઉન્સ જતા તેણે સેકન્ડમાં બલીનો ગાડી ખરીદી હતી. અગાઉ તાપી અને નવસારી જિલ્લામાં પણ તેણી વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તેણીએ કોઈ બોગસ આઈ કાર્ડ કે દસ્તાવેજ બનાવ્યા છે કે કેમ તે અંગેની પણ તપાસ પોલીસ કરી રહી છે. પોલીસને પણ તેણીએ પોતાની શૈક્ષણિક કારકિર્દી વિશે અલગ અલગ માહિતી આપી છે...ભગીરથ ગઢવી(ડીસીપી, સુરત)
- Fake Mamlatdar Caught : સસ્તામાં સોનુ આપવાની લાલચ આપતો નકલી મામલતદાર ઝડપાયો
- અમદાવાદ: નકલી ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી બનીને તોડ કરનારો શખ્સ ઝડપાયો