બળાત્કારી પાડોશી પોલીસે ઝડપી લીધો સુરતઃ અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો બન્યો છે. આ વિસ્તારમાં કાકાને ત્યાં રહેતી મૂકબધીર અને મનોદિવ્યાંગ યુવતીને પરણિત પાડોશીએ પોતાની હવસનો શિકાર બનાવીને ગર્ભવતી કરી દીધી છે. યુવતીને પેટમાં દુઃખાવો ઉપડતા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ઘટના સામે આવી છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતના અમરોલી વિસ્તારમાં મૂળ ઉત્તરપ્રદેશનો શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારની મૂકબધીર અને મનોદિવ્યાંગ ભત્રીજી અમરોલીમાં તેના કાકાના ઘરે રહે છે. આ પરિવારના પાડોશમાં રહેતા 29 વર્ષીય પરણિત આરોપી પ્રદીપ પટેલે આ યુવતી પર દાનત બગાડી હતી. તેણે આ યુવતીની શારીરિક અક્ષમતાઓનો ગેરલાભ લઈને 3 મહિના અગાઉ તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટનાના દિવસે પીડિતા ઘરે એકલી હતી. આરોપીએ એકલતાનો લાભ લઈ તેની સાથે બળાત્કાર કર્યો અને આ વિશે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 3 મહિના બાદ પીડિતાને પેટમાં દુઃખાવો ઉપડતાં પરિવાર પીડિતાને દવાખાને લઈ ગયો. જ્યાં મેડિકલ તપાસમાં તેણી ગર્ભવતી હોવાનું સામે આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
કાકીએ સમગ્ર વાત બહાર કઢાવીઃ પીડિતા સાથે બળાત્કાર ક્યારે થયો અને કોણે કર્યો તેના વિશે સમગ્ર હકીકત તેની કાકીએ બહાર કઢાવી હતી. પીડિતા બોલી-સાંભળી શકતી નથી અને માનસિક વિકલાંગ હોવાથી તેની સાથે બનેલ કાળુ કૃત્ય કોણે કર્યુ તે જાણવું બહુ મુશ્કેલ હતું. જો કે તે જે પરિવારમાં રહેતી હતી તેની એક મહિલા જે સંબંધમાં પીડિતાની કાકી થાય છે તેમણે કુનેહપૂર્વક બધી વાત પીડિતા પાસેથી કઢાવી હતી. ત્યારબાદ પરિવારે અમરોલી પોલીસ સ્ટેશનમાં પાડોશમાં રહેતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ભોગ બનનાર પીડિતા માનસિક રીતે વિકલાંગ છે તેમજ બોલી-સાંભળી શકતી નથી. 22 એપ્રિલના રોજ ભોગ બનનાર ને પેટમાં દુખાવો, વોમિટિંગ થતા તેમની કાકી તેણીને દવાખાને લઈ ગઈ હતી. ત્યારે તેમને ખબર પડી કે પીડિતા ગર્ભવતી છે. તેથી કાકીએ તેની પૂછપરછ કરી ત્યારે તેણીએ જણાવ્યું કે પાડોશમાં રહેતા પ્રદીપ પટેલે તેની સાથે બળાત્કાર કર્યો હતો. જેના કારણે તે ગર્ભવતી થઈ. ભોગ બનનારના કાકા આવીને ફરિયાદ કરી. હાલ ભોગ બનનારને દાખલ કરવામાં આવ્યા છે. ભોગ બનનાર દિવ્યાંગ હોવાના કારણે તેનો ગેરલાભ આરોપીએ લીધો છે. આરોપીની પોલીસે ધરપકડ કરી છે...આર.પી.ઝાલા(એસીપી-સુરત)
- ધોરાજીમાં વિધવા મહિલા સાથે ગેંગરેપનો મામલો, પોલીસે ફરિયાદ ન લેતા પીડિતાએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો - Gangrape With A Widow
- પલસાણા બાળકી ગેંગ રેપના 2 આરોપી ઝડપાયા, બળાત્કાર બાદ બાળકીનું મોઢું દબાવી કરી હત્યા - Surat Palsana