સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એપ્રિલના બીજા સપ્તાહથી શહેરના પીપલોદ વિસ્તારમાં સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કંપનીને પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થયો છે. દોઢ જ મહિનામાં 100થી વધુ ફરિયાદો સ્માર્ટ મીટર સામે આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની અને સરકારમાં ખળભળાટ મચી ગયો છે. પીપલોદ વિસ્તારમાં આવેલા ઈ.ડબ્લ્યુ.એસ. આવાસમાં રહેતા અને ઘરકામ, મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારોએ ડીજીવીસીએલની ઉમરા સબ ડિવિઝન કચેરીએ મોરચો માંડી સ્માર્ટ મીટર કાઢી ફરી સ્ટેટિક મીટર લગાવવાની માંગણી કરી હતી.
ગરીબ લોકોને હાલાકીઃ એક મહિના પહેલા જ પીપલોદ વિસ્તારમાં લગભગ 12 હજાર વીજ કનેકશનમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ હવે સ્માર્ટ મીટર કાઢી તેનાં સ્થાને ફરી સ્ટેટીક મીટર લગાવવાની માંગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. પીપલોદના ઈ.ડબ્લ્યુ.એસ. આવાસમાં રહેતા રહીશોએ પીપલોદ ડિવિઝનના ઉમરા સબ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જયાં લોકોએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, અમે સરકારે ફાળવેલા ગરીબ પરિવાર માટેના આવાસમાં રહીએ છે અને લોકોને ત્યાં મજુરી, ઘરકામ, ઝાડુ-પોતા કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છે.
રિચાર્જ ફરજિયાતઃ રહીશોએ જણાવ્યું હતું કે, પીપલોદના ઈ.ડબ્લ્યુ.એસ. આવાસમાં ગત 10 મેના રોજ સ્માર્ટ મીટર નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન કર્મચારીઓએ મીટર જૂના થયા હોવાનું જણાવી સ્માર્ટ મીટર નાંખી દીધા હતા. અને તેમને યોગ્ય સમજણ ન આપીને સ્માર્ટ મીટર લગાવી દીધા હતા. તેમને માત્ર ફરજિયાત રિચાર્જ કરાવવું પડશે તેમ જણાવવામાં આવ્યું હતું. આમ એક રીતે જોવા જઈએ તો વીજ કંપનીનાં કર્મચારીઓએ તેમની સાથે છેતરપીંડી કરી હોવાનાં આક્ષેપો પણ રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉમરા સબ ડિવિઝન કચેરીમાં રજૂઆત અર્થે પહોંચેલા આવાસનાં રહીશોએ તાકીદે સ્માર્ટ મીટર કાઢી તેનાં સ્થાને ફરી સ્ટેટીક મીટર લગાવવાની માંગણી કરી હતી. જેની સામે વીજ કંપનીએ તમામ રહીશોને તેમના જૂના વપરાશ દર્શાવી સ્માર્ટ મીટર યોગ્ય હોવાનો બચાવ કર્યો હતો.