ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ RC બુક બનાવવાના રેકેટનો કર્યો પર્દાફાશ - Surat crime News - SURAT CRIME NEWS

સુરત ક્રાઇમ બ્રાંચે ડભોલીની સર્જન વાટિકામાં દરોડા પાડી બોગસ RC બુક બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્માર્ટ કાર્ડવાળી 370 RC બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ, 15 રબર સ્ટેમ્પ મળી કુલ રૂપિયા 92.610 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે. જ્યાંથી પોલીસે RTO એજન્ટ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

નકલી RC બુક કૌભાંડ
નકલી RC બુક કૌભાંડ (Etv Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Aug 12, 2024, 5:32 PM IST

કેવી રીતે ઝડપાયું સમગ્ર કૌભાંડ (Etv Bharat Reporter)

સુરતઃસુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી RC બુકના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કતારગામ વિસ્તારમાં ડભોલી ગામ સર્જન વાટીકા ખાતે એક મકાનમાં રેડ કરવામાં આવી ત્યારે અધિકારી પણ ચોંકી ગયા હતા. કારણ કે આ મકાનની અંદર નકલી RC બુક બનાવવાનું કામ ચાલતું હતું. અંકિત વઘાસિયા નામનો ઇસમ પોતાના ઘરમાં જ RTO કચેરીની કોઈપણ પ્રકારની મંજૂરી વગર RC બુક પર લોકોના નામ પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ કરવાનું કામ કરતો હતો. અંકિતના ઘરેથી 270 જેટલી RC બુકના કાર્ડ, કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર સહિત 92,610 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસની પુછપરછમાં શું સામે આવ્યું? પોલીસ દ્વારા આ બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, અંકિતને આ RC બુક જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ નામનો વ્યક્તિ આપતો હતો અને આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ છેલ્લા 30 વર્ષથી સુરત RTO કચેરીમાં એજન્ટ તરીકે કામ કરે છે. તે અવારનવાર સુરતના પાલ વિસ્તારમાં આવેલી RTO કચેરીમાં જતો હતો. આ જીતુ RTOના કોઈ અધિકારીની મદદથી રેકોર્ડરૂમ સુધી પહોંચી જતો હતો અને રેકોર્ડ રૂમમાં વાહન ચાલકોની જમા કરવામાં આવેલી સ્માર્ટ કાર્ડ વાળી જૂની RC બુકની ચોરી કરતો હતો. ત્યારબાદ આ RC બુક અંકિતને આપતો હતો. તો બીજી તરફ આ કૌભાંડમાં વરાછા વિસ્તારમાં ઉમિયા માતા મંદિર પાસે યમુના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા અશોક ઉર્ફે બાલો કાછડીયા તેમજ પર્વત પાટિયા નજીક એસવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા સતીશ જિલ્લા સહિતના લોકોની પણ ભૂમિકા સામે આવી છે. આ બંને અન્ય ફાયનાન્સ કંપનીના લોકો પાસેથી વાહન જપ્ત કરતા હતા બાદમાં તેને કંપનીમાં જમા કરાવવાના બદલે સુરતના મીની બજાર અંકુર ચોકડી પાસે આવેલ ગાયત્રી ઓટો નામની દુકાનમાં લઈ જવામાં આવતા હતા. આ દુકાનમાં જુની ગાડીનું લે વેચ કરતા સવજી ડાભી નામના વ્યક્તિ આ ગાડીઓને અન્ય ડીલર્સને બારોબાર વેચી દેતા હતા. જોકે આ ગાડીઓની RC બુક ન હોવાથી તેઓ આ જીતુ પટેલને ગાડીનો રજીસ્ટર નંબર અને અન્ય જરૂરી વિગત આપતા હતા અને જીતુ પટેલ અંકિતની મદદથી એમ પરિવહન વેબસાઈટ પરથી જરૂરી પુરાવા મેળવીને આરટીઓમાંથી ચોરી કરવામાં આવેલી જૂની RC બુક પરનું નામ પેટ્રોલથી ભૂસીને પોતાના ઘરે રહેલા કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી જૂની RC બુક પર નવા નામનું પ્રિન્ટિંગ કરતો હતો.

RTOમાંથી કોની મળતી હતી મદદ?: આ ઉપરાંત અંકિત વઘાસિયા નામનો ઇસમ જે જૂની RC બુક પર બોગસ નામ પ્રિન્ટિંગ કરતો હતો. તેનો સંપર્ક અન્ય આરટીઓ એજન્ટ નિમેશ ગાંધી સાથે થયો હતો અને તેને નિમેષ ગાંધીને જણાવ્યું હતું કે, પોતે સ્માર્ટ કાર્ડની નકલી RC બુક બનાવે છે અને ત્યારબાદ નિમેશ ગાંધી પણ આ નકલી RC બનાવવા માગતો હતો તેના માટે અંકિતે તેને RC બુક લાવી આપવા માટે જણાવ્યું હતું. ત્યારે નિમેષ ગાંધીએ અન્ય કોઈપણ જગ્યા પરથી ઘણી બધી આવી જૂની RC બુક લઈને અંકિતને આપી હતી. જ્યારે આ ઈસમોને પાલ આરટીઓ ખાતે તપાસ કરવા માટે લઈ જવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે, આ તમામ ઈસમો રેકોર્ડ રૂમમાંથી જ RC બુકની ચોરી કરતા હતા. આ સમગ્ર મામલે RTO કચેરીના ક્લાર્ક દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એટલે કે પોલીસની તપાસ બાદ સામે આવ્યું હતું કે આરટીઓ કચેરીમાંથી જ જૂની RC બુકની ચોરી થઈ રહી છે. એટલે કે રેકોર્ડ રૂમ સુરક્ષિત નથી. ત્યારે આ બાબત આરટીઓ અધિકારી પર ઘણી શંકા ઊભી કરે છે. જે આરટીઓ અધિકારીના તાબા હેઠળ આવતા રેકોર્ડરૂમમાંથી જો આ પ્રકારે અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થતા હોય તો સુરત આરટીઓમાં એજન્ટ રાજ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તે ઉપરાંત આરોપી ભેગા મળીને લોન વાળી ગાડી ના હપ્તા ન ભરાતા હોય તે લોકો પાસેથી વગર ઓથોરિટીએ બળજબરીપૂર્વક વાહન ચાલક પાસેથી વાહન જપ્ત કરી લેતા હતા અને ત્યારબાદ આ વાહન કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખતા હતા. ત્યારબાદ જે બેંકની સાથે વાહનની લોન ચાલતી હોય તે ફાઇનાન્સ કંપની સાથે સેટલમેન્ટ કરી ઓછા રૂપિયા ભરી NOC મેળવી લેતા હતા અને ગાડીના ગ્રાહકને વેચાણ માટે નકલી RC બુક બનાવવા માટે સુરત પાલ RTO રેકોર્ડરૂમમાંથી સ્માર્ટ કાર્ડ વાળી જૂની RC બુકની ચોરી કરી તેના પરનું લખાણ પૂછી બીજું લખાણ પ્રિન્ટ કરાવી નકલી RC બુક બનાવી કોમ્પ્યુટર માંથી ડેટા ડીલીટ કરી નાખી તે વાહન RC બુક સાથે અન્ય વાહન ચાલકને વેચી દેતા હતા અને નકલી RC બુક અસલી હોવાનું કહીને નામ ટ્રાન્સફર કરાવવા માટે અન્ય જરૂરી તમામ કાગળ વાહન ચાલક પાસેથી મેળવી લેતા હતા અને આરટીઓ કચેરી ખાતે આ વાહનનું નામ ટ્રાન્સફર કરાવી દઈ ઓરીજનલ RC બુક વાહન ચાલકના ઘરે પહોંચતી કરતા હતા. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા RTO એજન્ટ જીતેન્દ્ર પટેલ, RC બુક બનાવી આપનાર અંકિત વઘાસિયા, વાહન લે વેચ કરનાર સવજી ડાભી, વાહન સિઝ કરનાર અશોક ઉર્ફે બાલો કાછડીયા તેમજ સતીશ જિલ્લા તેની ધરપકડ કરી છે.

પોલીસે જપ્ત કર્યો મુદ્દામાલઃ પોલીસે સ્માર્ટ કાર્ડવાળી 370 RC બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ, 15 રબર સ્ટેમ્પ મળી કુલ રૂપિયા 92.610 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે. જ્યાંથી પોલીસે RTO એજન્ટ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

ABOUT THE AUTHOR

...view details