સુરત: શહેરના સિટીલાઈટના શિવપૂજા કોમ્પ્લેક્સમાં આગમાં બે મહિલાઓના ગૂંગળામણના કારણે મોત નીપજ્યાં હતા. ઉધનાની અંબર કોલોનીમાં રહેતો વસીમ ચૌહાણ અને ત્યારબાદ અડાજણ પાટિયા પાસે સ્ટેસ એપાર્ટમેન્ટમાં રહેતો શાહનવાઝ હારૂન મિસ્ત્રીની આ ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ બંને ભાગીદારીમાં જિમ ચલાવતા હતા. આ જ જિમમાં મેઝેનાઈન ફ્લોર શરૂ કરીને દિલશાદ ઉર્ફે અરમાન સલીમખાન ભાડેથી એલ-એફ હેર બ્યૂટી લોન્જ નામથી સલૂન અને સ્પા ચલાવતો હતો. ઉમરા પોલીસે તેઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
જો કે, સેશન્સ કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરતા ઉમરા પોલીસે સેશન્સ કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે રિવિઝન અરજી કરી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ રિમાન્ડ આપવા દલીલો કરી હતી, જયારે આરોપીઓ તરફે એડવોકેટ ઝફર બેલાવાલા અને વિનય શુક્લાએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ નીચલી કોર્ટનો હુકમ રદ્દ કરીને ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.