કેટલીક યુનિવર્સિટી પણ સામેલ સુરતઃ સિંગણપોરમાં નકલી માર્કશીટ પ્રકરણમાં પોલીસે દિલ્હી ખાતેથી વધુ 1 આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. રાહુલ સેની નામના આરોપી પાસેથી સુરત સહિત અન્ય રાજ્યોના એજન્ટ માર્કશીટ બનાવતા હતા. આ પ્રકરણમાં જે પણ બોગસ માર્કશીટ બનાવવામાં આવતી હતી તેનો ઉપયોગ વિદેશમાં જવામાં આવતો હતો. વિદેશથી જ્યારે આ માર્કશીટનું વેરિફિકેશન કરવામાં આવે ત્યારે સંબંધિત યુનિવર્સિટી પણ વેરિફાઈ કરી દેતી હોવાનું સામે આવ્યું છે.
દેશવ્યાપી કૌભાંડઃ બોગસ માર્કશીટ ગુનામાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ સુરત સિંગણપોર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દિલ્હીથી વધુ 1 આરોપીની ધરપકડ કરી છે. રાહુલ સેની નામના આરોપી પાસેથી સુરતનો એજન્ટ નિલેશ ડ્યુપ્લિકેટ માર્કશિટ બનાવડાવતો હતો. આ મસમોટા કૌભાંડમાં સમગ્ર ભારતમાં અલગ અલગ એજન્ટ નીમવામાં આવ્યા છે. જ્યારે આરોપી રાહુલ સેનીના ઘરે પોલીસે સર્ચ ઓપરેશન કર્યુ ત્યારે તેના ઘરમાંથી 60 ડીગ્રી સર્ટિફિકેટ મળી આવ્યા હતા. જેમાંથી 47 સર્ટિફિકેટ નામ વિનાના હતા. પોલીસને આ કૌભાંડમાં વધુ ચોંકાવનારા તથ્યો બહાર આવવાની સંભાવના છે.
દિલ્હી અને હરિયાણા સુધી રેલો પહોંચ્યોઃસમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કરણ, મનોજ અને રાહુલ સેનીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી રાહુલ નામના ઈસમની ધરપકડથી દિલ્હી ઉપરાંત હરિયાણાના પણ આરોપીઓ આ કૌભાંડમાં વર્ષોથી સંકળાયેલા હોવાનું માલૂમ પડ્યું છે. એક સિન્ડિકેટ દ્વારા આરોપીઓ આ કૌભાંડ ચલાવતા હતા. અલગ અલગ રાજ્યમાં આ લોકોના એજન્ટ છે. પોલીસે અત્યાર સુધી 217 જેટલી ડિગ્રીઓ કબજે કરી છે. આ સમગ્ર કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કેટલીક યુનિવર્સિટી પણ સામેલ 24 બોગસ ડીગ્રીઓઃ પોલીસને તપાસ દરમિયાન કેટલીક યુનિવર્સિટી પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું માલૂમ પડ્યું છે. વિદેશી યુનિવર્સિટી જ્યારે વેરિફિકેશન કરે ત્યારે આ યુનિવર્સિટીના કેટલાક કર્મચારીઓ ખરાઈ પણ કરતા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી 24 જેટલા બોગસ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા છે. જોકે આ સર્ટિફિકેટ તેમના દ્વારા ઈસ્યૂ કરાયેલ નથી. 217 ડીગ્રી માંથી અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના 24 જેટલી બોગસ ડીગ્રીઓ છે. 6 ડીગ્રી કેતન જેઠવાએ બનાવી આપી હતી જેમાંથી 4 લોકો હાલ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. જે લોકો બોગસ ડીગ્રી સાથે વિદેશ ગયા છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
- Ahmedabad Crime: SOG ક્રાઈમે બોગસ પોલીસ વેરીફીકેશન સર્ટી બનાવનારની ધરપકડ કરી
- Fake Degree Scandal Gandhinagar: ગાંધીનગરથી બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું, 50થી વધુ ડિગ્રી સાથે 2 આરોપીની ધરપકડ