સુરત :તાજેતરમાં જ સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો કોલ જિલ્લા કંટ્રોલ રૂમમાં આવ્યો હતો. આ મામલે કોલ કરનારા બારડોલીના સાબીરના બે દિવસના રિમાન્ડ મેળવી ઉમરા પોલીસે પૂછપરછ આદરી છે.
સુરત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી :ગત બુધવારે સવારે સાડા અગિયારેક વાગ્યાની આસપાસ ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો કે, સુરત એરપોર્ટ પર બોમ્બ મુકાયો છે. કોલરે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાશે તેમ કહી ફોન મૂકી દીધો હતો. થોડી જ મિનિટ બાદ એક કોલ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં આવ્યો હતો.
સુરત એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો (ETV Bharat Gujarat) એકબાદ એક ધમકીભર્યા કોલ :બીજા કોલમાં કોલરે જણાવ્યું કે, પોતે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ઊભો હતો ત્યારે પઠાણી કપડાં પહેરેલા બે શખ્સો અસ્પષ્ટ ભાષામાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરી રહ્યા હતા, આમ કહીને કોલ કાપી નાખ્યો. આ માહિતી મળતા પોલીસ વિભાગ તાત્કાલિક તપાસમાં લાગ્યું, જોકે કઈ શંકાસ્પદ ન જણાતા સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો.
ફોન કરનાર આખરે ઝડપાયો :પોલીસ તપાસના અંતે કોઇકે ટિખળ કરી હોવાનું પુરવાર થયું હતું. બીજી તરફ પોલીસે લોકેશનના આધારે મૂળ બારડોલીના 39 વર્ષીય સાબીર બસીર મન્સૂરી (પીંજારા) ને પકડી પાડયો હતો. જેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આરોપી સાબીરે આવી કરતૂત શા માટે કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સાબીરે પત્નીના સીમકાર્ડથી ધમકીભર્યા કોલ કર્યો હતો.
આરોપીની પત્નીએ કર્યો ખુલાસો :સાબીરની પત્ની ગોદડા બનાવવાની મજૂરી કરે છે અને તેને 3 સંતાન છે. સાબીરની પત્નીએ પોલીસને જણાવ્યું કે, સાબીર માનસિક રીતે થોડો અસ્વસ્થ છે. એક કામ શરૂ કરે એટલે તે કામમાં જ વ્યસ્ત રહે છે. જેમ કે નમાઝ પઢવાનું હોય તો લાંબો સમય નમાઝ પઢે છે. જમવાનું શરૂ કરે તો વારેઘડીએ જમવાનું માંગે છે. આમ, સાબીરની પત્ની સાચું બોલે છે?, સાબીરને સાયકોલોજીકલ ડિસઓર્ડર છે છે કે કેમ તે અંગે પોલીસ ખરાઈ કરશે.
- સુરત એરપોર્ટ પરથી ફરી દાણચોરીનું ૬ કિલો સોનું ઝડપાયું
- સુરત એરપોર્ટ પર વિમાન હાઈજેકનું કરાયુ દિલધડક મોકડ્રીલ