રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ લાગેલી ભીષણ આગમાં બાળકો સહિત 30 માણસો જીવતા ભૂંજાઈ ગયા હતા. માત્ર એક મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોખંડ-પતરાંના સ્ટ્રક્ચરથી બનેલા ૩ માળના ગેમ ઝોનમાંથી બહુ ઓછા લોકો બહાર નીકળી શક્યા હતા. અને તેને કારણે સંકુલની અંદર જ લોકો ભડયું થઈ ગયા હતા. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું. જોકે ત્યાં સુધીમાં તો રમત રમવા આવેલા બાળકો અને તેના પરિવારજનોમાંથી મોટાભાગના મૃત્યુ થઈ ચૂક્યા હતા. મોડી રાત સુધી બચાવ અને રાહતની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ચારેક વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો. ગિરિરાજસિંહ અશોકસિંહ જાડેજાની માલિકીના પ્લોટને પ્રકાશ રાઠોડ તેમજ યુવરાજસિંહ સોલંકી નામની વ્યક્તિએ ભાડેથી રાખી તેના પર ત્રણ માળનું લોખંડ-પતરાનું સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું. ગેમ ઝોનમાં દસ પ્રકારની ગેમ રમાડવામાં આવતી હતી.