વડોદરા:સ્પેનના વડાપ્રધાન પેડ્રો તેમના પત્ની સાથે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા અહીં મોડી રાત્રે તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ગુજરાતની પરંપરા મુજબ ગુજરાતી ગરબા સાથે સ્પેનના વડાપ્રધાનને આવકારવામાં આવ્યા હતા. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ સાથે તેમના પત્ની પણ વડોદરા આવ્યા છે. એરપોર્ટ પર મધરાતે આવનાર સ્પેનના વડાપ્રધાનની સિક્યુરિટી અને જરૂરી વ્યવસ્થા માટે વિવિધ એજન્સીઓ તૈનાત હતી. ઉપરાંત પોલીસ દ્વારા એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સ્પેનના વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજ સવારે 10 કલાકે ન્યૂ વીઆઈપી રોડ પર તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના એસેમ્બલી લાઈન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. આજની તૈયારીઓ માટે શહેરના માર્ગો પર મોડી રાત સુધી શહેરીજનોની ચહલ-પહલ જોવા મળી હતી. બીજી તરફ તંત્ર દ્વારા મોડી રાત સુધી રંગરોગાન સહિતની કામગીરી કરાઈ હતી. મોડી રાત્રે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યા હતા.