સુરતઃ સરકાર ખેડૂતો માટે દિન પ્રતિદિન અવનવી પ્રોત્સાહક નીતિ જાહેરાત કરી ખેડૂતોને ફાયદો કરવાની વાતો કરી રહી છે ત્યારે જો શેરડીની ખેતીમાં ગ્રાઉન્ડ રીયાલિટી કંઈક અલગ જ છે. સરકારની આયાત નિકાસ નીતિ સાથે ખર્ચમાં વધારાની સળખામણી એ ઉત્પાદનમાં ઘટાડો થવા જેવી અનેક હેરાનગતિને લીધે ખેડૂતો શેરડીને બદલે અન્ય પાકો તરફ વળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં લગભગ ૧૩ જેટલી સુગર મીલમાં શેરડીનું વાવેતર કરતાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયાનું પણ નોંધાયું છે. જેની સીધી અસર સુગર મિલોને થઈ રહી છે.
ગત વર્ષ કરતા નોંધનીય ઘટાડોઃ શેરડીનાં વાવેતરમાં ઘટાડો થવાની સાથે ઉત્પાદનમાં પણ થઈ રહેલા ઘટાડાએ સુગર મિલોમાં શેરડીનો પુરવઠો આવતો ઓછો થતાં સુગર મિલો બીન નોંધણીની અને કાર્યક્ષેત્ર બહારથી શેરડી મંગાવે છે. આ સહકારી સુગર મિલોમાં ૧૩૦ થી ૧૬૦ દિવસ જેટલી પીલાણ કામગીરી ચાલતી હોય છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩માં દક્ષિણ ગુજરાતની 13 જેટલી સુગર મિલોએ ૧૫૦ દિવસમાં 8796894 મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી 9505793 બેગ ખાંડનું ઉત્પાદન કર્યું હતું. હાલ ચાલતી પીલાણ સીઝનનાં ૯૦ દિવસ પૂર્ણ થયા છે છતાં દક્ષીણ ગુજરાતની ૧૨ સુગર મિલોમાં ૪૫,૬૩,૨૦૦ ટન શેરડીનું પીલાણ સાથે ૫૦, ૫૭, ૩૯૦ બેગ ખાંડનું ઉત્પાદન થયું છે. હવે સિઝન પૂર્ણ થવાં માંડ ૩૦ થી ૪૦ દિવસ બાકી છે ત્યારે ગત વર્ષની સરખામણીમાં હાલનાં ઉત્પાદન અને પીલાણનાં આંકડાએ સુગર મિલો સાથે ખેડૂતો માંટે ચીંતાજનક બાબત છે.