તાલાલા: સોમનાથ જિલ્લાના તાલાલામાંથી એક સરખા બે નંબર ધરાવતા લાલ અને સફેદ કલરના ટ્રકને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે તાલાલા શહેરના ગણેશ રેસિડેન્સી નજીકના વિસ્તારમાંથી આ બંને ટ્રક પકડાયા છે. સમગ્ર મામલામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
તાલાલામાંથી પકડાયા એક જ નંબરના બે ટ્રક:તાલાલા વિસ્તારમાં એકસરખા નંબર પ્લેટ લગાવીને ચાલતા વાહનોને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ આઈ.જી નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સાથે એલસીબી પીઆઇ એ.બી.જાડેજા અને પીએસઆઇ એ.સી.સિંધવ દ્વારા સમગ્ર મામલામાં તપાસ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન એલસીબીને મળેલી બાતમીને આધારે તાલાલાના ગણેશ રેસિડેન્સી નજીક રાખવામાં આવેલા લાલ અને સફેદ કલરના બે ટ્રકના નંબર એક સરખા હોવાની બાતમીને આધારે પોલીસે તપાસ કરતાં અહીંથી એક જ નંબરના બે ટ્રક મળી આવ્યા હતા. જેની સામે પોલીસે મોટર વાહન વિહિકલ એક્ટની કલમ ક 207 મુજબ બંને ટ્રકને ડીટેઇન કરીને તપાસ શરૂ કરી છે.