ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથમાં આ જગ્યાએ પ્રવેશ કર્યો તો થશે પોલીસ ફરિયાદ ! જિલ્લા કલેકટરે આપ્યા પ્રતિબંધિત આદેશ - Somnath Demolition

ગત શનિવારના રોજ વહેલી સવારે સોમનાથ નજીક સરકારી સર્વે નંબર 1851 અને 1852 માં 9 ધાર્મિક સ્થળોની સાથે 45 જેટલા અન્ય પાકા બાંધકામ જિલ્લા વહીવટી તંત્રએ દૂર કર્યા હતા. હવે આજે જિલ્લા કલેકટર દ્વારા ખુલ્લી થયેલી 102 એકર જમીનમાં પ્રતિબંધાત્મક આદેશ આપતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું
જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2024, 9:14 AM IST

ગીર સોમનાથ :ગત શનિવારના રોજ વહેલી સવારે સોમનાથ નજીક સરકારી સર્વે નંબર 1851 અને 1852 માં 9 ધાર્મિક સ્થાનોની સાથે મળીને કુલ 45 જેટલા પાકા બાંધકામને દૂર કરવાની કાર્યવાહી થઈ હતી. જે પૂર્ણ થયા બાદ હવે જિલ્લા કલેકટર દ્વારા 102 એકર સરકારી જમીનમાં કોઈપણ વ્યક્તિ સંસ્થા કે કંપનીએ પ્રવેશ ન કરવો તેવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું :ગીર સોમનાથ જિલ્લા કલેકટરના જાહેરનામા અનુસાર જે જગ્યા પરથી દબાણ હટાવવામાં આવ્યા છે, તે જગ્યા પર આગામી 60 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકે નહીં. સરકારી આદેશનો ઉલ્લંઘન કરનાર પ્રત્યેક વ્યક્તિ, સંસ્થા કે કંપની સામે ભારતીય દંડ સંહિતાની ધારા 223 મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેમાં હેડ કોન્સ્ટેબલથી ઉપરના અધિકારી ફરિયાદ માટે અધિકૃત છે.

સુપ્રીમ કોર્ટના આદેશ :ગીર સોમનાથ જિલ્લા કલેકટરે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, તેમાં સુપ્રીમ કોર્ટના વિશેષ લીવ પિટિશન ક્રમાંક 8519/2006 અન્વયે 7/9 /2009 અને 29/ 9 /2009 ના આદેશ મુજબ કોઈપણ ધાર્મિક સ્થાનો મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા અને ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મ સ્થાનનું અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવે, ત્યાં નવા અનઅધિકૃત બાંધકામ ન થાય તે જોવાની રાજ્ય સરકારની ફરજ છે.

60 દિવસ સુધી પ્રવેશ પર પ્રતિબંધ :આ આદેશને અનુલક્ષીને સર્વે નંબર 1851 અને 1852 માં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધાત્મક આદેશ 60 દિવસ સુધી અમલમાં રહે તે રીતે લગાવવામાં આવ્યા છે. આ બંને સર્વે નંબર પર સરકારી કામગીરીમાં હોય તેવા કોઈ પણ કર્મચારી કે અધિકારીને પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ પ્રવેશ કરવાની છૂટછાટ આપવામાં આવી છે.

પોલીસ ફરિયાદની જોગવાઈ :આ સિવાય કોઈ પણ વ્યક્તિ સંસ્થા કે કંપની આ વિસ્તારમાં અનઅધિકૃત પ્રવેશ કરે તો તેમના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 223 અન્વયે પોલીસ ફરિયાદ દાખલ થશે, તેવો ઉલ્લેખ પ્રસિદ્ધ થયેલા જાહેરનામા કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે જાહેર કરેલ જાહેરનામું 30/9/2024 થી લઈને 30/11/2024 60 દિવસ સુધી બંને સર્વે નંબર પર લાગુ કરી દેવામાં આવ્યું છે.

  1. 'મન ફાવે તેમ ડિમોલિશન નથી કર્યું'-સરકાર, સોમનાથ ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી
  2. સોમનાથ મેગા ડિમોલિશન બાદ વહીવટી તંત્રએ તાર ફેન્સીંગની પ્રક્રિયા કરી શરૂ

ABOUT THE AUTHOR

...view details