ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં આ વિરોધ ઉગ્ર બન્યો હતો. વીજ કચેરીઓમાં લોકોના ટોળા ભેગા થયા હતા, જ્યાં લોકોએ ડબલ અને ત્રણ ગણા બિલ આવ્યાં હોવાની ફરિયાદો કરી હતી. લોકોમાં ફેલાયેલા વ્યાપક અસંતોષ બાદ હવે સરકાર હરકતમાં આવી છે.
સરકારની બેઠક યોજાઈ:આ મુદ્દા પર સચોટ પરિણામ લાવવા ગાંધીનગરમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે નિર્ણય લીધો છે કે, સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. ઉપરાંત દરેક સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં સ્માર્ટ મીટરની કામગીરી, આગામી આયોજન તથા ગેરસમજ દૂર કેવી રીતે કરવા બાબતએ વિચારણા કરવામાં આવી હતી.
સ્માર્ટ મીટરના ઉગ્ર વિરોધ સામે રાજ્ય સરકારની બેઠક, શું થયું નક્કી (Etv Bharat Gujarat) 4,000 નું રિચાર્જ માત્ર 15 થી 20 દિવસમાં પૂર્ણ થાય: વાસ્તવમાં પરિસ્થિતિ એવી હતી કે, રાજ્યમાં લગાવેલ સ્માર્ટ મીટરથી બિલમાં ઘણો વધારો જોવા મળ્યો હતો. તેના પરિણામે મધ્યમ વર્ગીય પરિવારો રોષે ભરાય હતા. અંદાજિત 4000 રૂપિયા આવતું હોય તેવા પરિવારને 4,000 નું રિચાર્જ માત્ર 15 થી 20 દિવસમાં પૂર્ણ થઈ જાય છે એવા મુદ્દાઓ સામે આવ્યા હતા. તેના પરિણામે ઠેર-ઠેર સ્માર્ટ પ્રિપેડ મીટરને લઇ વિરોધ જોવા મળી રહ્યો છે.
સ્માર્ટ મીટર જુના મીટરની તુલનામાં સારા: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી શિવપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, "રાજ્યમાં પહેલી વાર સ્માર્ટ મીટર પ્રોજેક્ટ પાયલોટ કરવામાં આવ્યો ત્યારે સર્વપ્રથમ આ મીટર જીઇબીની કોલોનીમાં લગાડવામાં આવ્યા હતા. ત્યાં ટ્રાયલ પણ સફળ રહ્યું હતું. ત્યારબાદ લોકોને જરૂરી માહિતી આપીને સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.આ સ્માર્ટ મીટર જુના મીટરની તુલનામાં સારા છે, ઉપરાંત સસ્તો સોલર પાવર ક્યારે કેટલો જનરેટ થાય છે ક્યારે કેટલો વાપરી શકાય તેની તમામ સુવિધા સ્માર્ટ મીટરમાં આપવામાં આવી છે. લોકો પોતાના વીજ વપરાશની રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન મોબાઈલ દ્વારા મેળવી શકે અને ઘરે બેઠા રિચાર્જ કરી શકે છે. સ્માર્ટ મીટરમાં કોઈ ખામી નથી. અમે તમામ પ્રકારની ચકાસણી અને ખાતરી કર્યા બાદ જ આગળ વધ્યા છીએ."
ફરિયાદ દૂર કરવા અમે સક્રિય છીએ: તેમણે આગળ જણાવતા કહ્યું હતું કે, સંપૂર્ણ રાજ્યમાં 50,000 મીટર લગાડવામાં આવ્યા છે, અને કદાચ લોકોના ગેરસમજના કારણે ખોટો મેસેજ ફરી રહ્યો છે. અગત્યની વાત તો એ છે કે સ્માર્ટ મીટર જુના મીટર કરતા સારો મીટર છે. અને લોકોને આ મીટર લગાવવા કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં. ઉપરાંત લેકટર ઓફિસ, મામલતદાર ઓફિસ, તલાટી કચેરી સહિતની સરકારી કચેરીઓમાં લોકો જોઈ શકે તેવી રીતે બંને મીટર લગાડવામાં આવશે. પહેલા પાંચ ટકા કેસમાં ચેક મીટર લગાડતા હતા. હવે 100% લોકોમાં ચેક મીટર લગાડવા અમે તૈયાર છીએ. ગ્રાહકોની કોઈપણ પ્રકારની ફરિયાદ દૂર કરવા અમે સક્રિય છીએ."
માહિતી જે-તે જગ્યાએ આપવામાં આવશે: તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, જૂનું પેન્ડિંગ બિલ છ મહિનામાં ઇકવલ ઈએમઆઈમાં અમે લેતા હતા. હવે લેવામાં આવેલા નિર્ણય અનુસાર જૂનું બિલ એક સાથે આપી દેવામાં આવશે બિલ ભરવા માટે સમય આપવામાં આવશે. વાસ્તવમાં જુના બિલની રકમ અને નવી રકમ સ્માર્ટ મીટરમાં સાથે કપાતા કેટલાક લોકોને લાગતું હતું કે બિલ વધુ આવી રહ્યું છે. શરૂઆતમાં 50 યુનિટ સુધી વીજળીના દર ઓછા હોય છે પરંતુ બાદમાં વપરાશ વધતાં ટેરીફનો સ્લેબ ફરી જાય છે. આ સંપૂર્ણ માહિતી જે-તે જગ્યાએ આપવામાં આવશે.
વિપક્ષનો વિરોધમાં સહકાર: સ્માર્ટ મીટરના આ વિરોધ પ્રદર્શમાં કોંગ્રેસે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો. વિધાનસભા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ સ્માર્ટ મીટર મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે આગામી દિવસોમાં આ મુદ્દાને જન આંદોલન સ્વરૂપે રાજ્યભરમાં ઉઠાવવાની હંકલ કરી છે. આમ આદમી પાર્ટી એ પણ સ્માર્ટ મીટર હટાવવા માટે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી આપી છે.