સાબરકાંઠા:જિલ્લાના વડાલીના કુબાધ રોલ પાસે આવેલા શેરશંભુ મહાદેવ મંદિર માંથી શિવલિંગની ચોરી થતા સ્થાનિક સહિત આસપાસના વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે. સાથોસાથ ભક્તજનોમાં પણ વ્યાપક રોષ ફેલાયો છે. જોકે આ મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી આગામી સમયમાં ચોક્કસ પગલાં ભરવા એકરૂપ બન્યા છે, ત્યારે અતિ પવિત્ર ગણાતા શ્રાવણ માસના અંતિમ દિવસે શિવલિંગની ચોરી થતા સમગ્ર જિલ્લામાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.
શ્રાવણ માસમાં શિવલિંગ ચોરાયાની ઘટના:સાબરકાંઠાના વડાલીના કુબાધ રોલ નજીક ગૌચર વિસ્તારમાં વર્ષો જૂનું શેર શંભુ મહાદેવ મંદિર આવેલું છે. જોકે ગામથી સામાન્ય અંતરે આવેલા આ મંદિરમાં દિવસના સમય કેટલાય ભક્તજનોનું આવન-જાવન રહેતું હોય છે, પરંતુ રાત્રિના સમયે મંદિરમાં કોઈ પૂજારી ન રહેતા રાત્રિના સમયે મંદિર પરિસરમાં આવેલા શિવલિંગ ગાયબ થતાં શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સ્થાનિક પૂજારીનું કહેવું છે કે આજે વહેલી સવારે જ્યારે મંદિરમાં પૂજા અર્થે આવ્યા ત્યારે દરવાજા બંધ હાલતમાં હતા, તેમજ મંદિરમાં પ્રવેશ કરતા મંદિર ઉપર રાખવામાં આવેલો શેષનાગની પ્રતિમા બાજુ પર મુકાયેલી હતી. આ સાથે શિવલિંગ ચોરાયેલું જણાતા સ્થાનિક ગ્રામજનોને જાણ કરવામાં આવી છે. જોકે પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ ચોરાયાની ઘટનાથી ભક્તજનો પણ વ્યાકુળ બન્યા છે.