કચ્છ: દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને સોમવારથી રાબેતા મુજબ શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. તો સરહદી જીલ્લા કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ આવેલી છે જેમાં હાલમાં 2600થી પણ વધારે શિક્ષકોની ઘટ છે.
કચ્છ શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ: જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી બી.એમ. વાઘેલાએ જણાવ્યું હતું કે,'એમાં તો, કચ્છ જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ મળીને અંદાજિત 2100 જેટલી શાળાઓ છે. પરંતુ હાલમાં જે વિદ્યા સહાયક ભરતી આવી છે તે માત્ર જિલ્લા શિક્ષણ સમિતિ માટેની શાળાઓ માટેની છે. કચ્છની 1665 જેટલી શાળાઓમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક એમ બે વિભાગ ચાલે છે. હાલમાં સરકારની મંજૂરી મુજબ 1670 જેટલી જગ્યાઓ માટે હાલમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આગામી 20 અને 21 નવેમ્બરના રોજ શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટેના કેમ્પ: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5 અને ધોરણ 6થી 8 એમ બન્ને વિભાગો માટે 23,852 વિદ્યાસહાયકની ભરતી પ્રક્રિયા માટે તારીખ 7 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી માટે સૂચનો જાહેર કર્યા હતા. તો આગામી 20 અને 21 નવેમ્બરના રોજ શિક્ષકોની જિલ્લા ફેરબદલી માટેના કેમ્પ પણ યોજાશે જેથી જીલ્લામાં હજુ પણ શિક્ષકોની ઘટ વધારે વર્તાશે.તો આગામી સમયમાં જે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેના થકી ભરતી માટેની અરજીઓ પણ વધશે.