અમદાવાદઃ કચ્છમાં ગણતરીના દિવસોમાં 14 વ્યક્તિના મોત મામલે ગુજરાત કોંગ્રેસ પણ સરકારી તંત્ર સામે લાલઘૂમ થતા સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. ઉપરાંત ખુદ શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું કે મેં સરકારી તંત્રને ચાર દિવસ પહેલા જ ચેતવ્યું હતું, જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી અને લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયા હતા. જોકે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવા છતા કોઈએ ગંભીરતાથી લીધું નહીં. ગણતરીના દિવસોમાં લખપત તાલુકાના ભેખડા, સાંધ્રો, મોરનગર, બેડી, ભારાવાન, વાલાવારી અને લાખાપાર ગામોમાં 14 લોકોના મૃત્યુ થયા છે.
'આમાં બેદરકારી ના ચાલે'- કોંગ્રેસ પ્રમુખ
શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન એવું પણ કહ્યું હતું કે, જીવથી વધારે કિંમતી બીજું કાંઈ નથી. દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતા તથા સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતા સરકારી તંત્રનું પેટનું પાણી હાલ્યું નહીં. સરકારી અધિકારીઓએ લખપતના ગામોની મુલાકાત લીધી નથી. સરકારે ટીમો મોકલવી જોઈએ, બહારથી નિષ્ણાંત તબીબો મોકલવા જોઈએ, લેબમાં ટેસ્ટ થવા જોઈએ અને માનવમૃત્યુ અટકાવવા પગલા લેવા જોઈએ. લોકોને તાવ આવે, શરદી ઉધરસ થાય અને થોડા કલાકોમાં તો ન્યુમોનિયા જેવી પરિસ્થિતિ થાય, શ્વાસ લેવામાં તકલીફ થાય અને માણસોના મલ્ટી ઓર્ગન ફેલયોર થાય છે. યુવાનોના મરણ થાય અને નાના બાળકોના મૃત્યુ થાય ત્યારે આમાં બેદરકારી ના ચાલે.
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. નિષ્ણાંત ડોકટર્સની ટીમો મોકલવી જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ. લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. આમા બેદરકારી ના ચાલે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિનંતી કરું છું કે, તાત્કાલીક સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાં મોકલે અને પરિસ્થિતિને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે. - શક્તિસિંહ ગોહિલ, સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ.
આ પણ વાંચો:
- ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના, કાર અકસ્માતમાં 2 મહિલાના થયા મોત - ROAD ACCIDENT
- રાજ્યમાં કેવું રહેશે આગામી દિવસોમાં વરસાદી માહોલ, કઈ તારીખે થશે ચોમાસુ સમાપ્ત? જાણો - Gujarat weather update