ડાંગ:ધુમ્મસની ચાદરે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓના આકર્ષણ જન્માવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસું જામતું જાય છે રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ચોમાસાની જમાવટ સાથે વન વિસ્તાર અને ગિરિમથકની સુંદરતા ખીલી ઉઠી છે. ગુજરાત મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ સ્થિત ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ખુશનુમાં વાતાવરણનું સાક્ષી બન્યું છે. વરસાદ સાથે સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું નજરે પડી રહ્યું છે. વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જણાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ કુદરતી સૌંદર્યના ખજાના સમાન ડાંગ જિલ્લામાં નયનરમ્ય દ્રશ્યનું સર્જન થઈ રહ્યું છે. ધુમ્મસની ચાદર તળે છવાયેલા સાપુતારામાં પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં સવારથી જ મેઘ મહેર થઈ છે. ડાંગ જિલ્લાના સાર્વત્રિક વરસાદને પગલે ડાંગના ધરતીપુત્ર ખેતી કામે જોતરાઈ ગયા છે તો બીજી તરફ નદીમાં નવા નીર આવતા નાના ઝરણાં સક્રિય થવા લાગતા જ શહેરથી સાપુતારા અને ડાંગ બાજુ પર્યટકોએ દોડ મૂકી છે. સાપુતારામાં વરસાદથી કુદરતી સૌંદર્ય સોળેખીલી ઉઠ્યું છે.