બનાસકાંઠા:પાલનપુર કલેકટર કચેરી ખાતે ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આયોજન મંડળ હસ્તકની વિવિધ જોગવાઈઓ, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચાલુ કામો સહિત ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર આયોજન અને વ્યવસ્થાની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતે વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખુબ ઝડપથી થાય અને ગુણવત્તા યુક્ત થાય એની તકેદારી રાખવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરી હતી. તેમજ જે લોકોને પોતાનું ઘર નથી, ઉપર આભ, નીચે જમીન એવી અવસ્થામાં જીવન ગુજારે છે એવા નિરાધાર લોકોની ચિંતા કરતાં તેમણે રાહત/ મફતગાળાના પ્લોટ ફાળવણી અંગે નક્કર આયોજન કરવા સૂચન કર્યું હતું.
ભાદરવી મેળાના આયોજન અંગે મંત્રીને અવગત કરાયા:વધુમાં મંત્રીએ જિલ્લાની મુખ્ય સિંચાઈ પરિયોજનાઓ અને હાઇવે પ્રોજેકટના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી કામમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ,અંબાજીના વહીવટીદાર કૌશિક મોદી દ્વારા આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત કરવામાં આવનાર સુવિધા અને આયોજન વ્યવસ્થા અંગે પ્રભારી મંત્રીને અવગત કરવામાં આવ્યા હતા.