મીરાનગરના રહેવાસીઓ રામ ભરોસે, સત્તાધીશો કૃષ્ણ ભક્તિમાં મગ્ન ! જૂનાગઢ :જૂનાગઢમાં મીરાનગર વિસ્તારના રહિશો પાછલા 6 મહિના કરતાં વધુ સમયથી ચાલીને નીકળી શકાય તેવા માર્ગોની રાહ જોઈ રહ્યો છે. પાછલા કેટલાક મહિના પહેલા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણી અને રાંધણ ગેસની પાઇપલાઇન નાખવાના કામના માટે માર્ગોને ખોદી નાખવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી માર્ગનું સમારકામ નહીં થતાં લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળે છે.
મીરાનગર રામભરોસે !નવી કલેકટર કચેરી પાછળ આવેલા મીરાનગરમાં અહીંથી અલગ અલગ રહેણાંક વિસ્તારમાં જવા માટે માર્ગ બનાવવામાં આવ્યા હતા. પાછલા ત્રણ-ચાર મહિનાથી સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણી અને રાંધણ ગેસની પાઇપ બિછાવવામાં આવી છે. જેના કારણે તમામ માર્ગોને જમીનમાં ચાર થી પાંચ ફૂટ ઊંડું ખોદાણ કરીને તોડવામાં આવ્યા હતા. જમીનમાં પાઇપલાઇન બીછાબવાનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ હજુ સુધી તેનું સમારકામ થયું નથી.
મીરાનગરના બિસ્માર માર્ગ :જૂનાગઢનું મીરાનગર જે એક સમયે જૂનાગઢમાં સૌથી સારા માર્ગે ધરાવતો રહેણાંક વિસ્તાર હોવાનું બહુમાન ધરાવતું હતું. પરંતુ કેટલાક કામોને લઈને સોસાયટીના જાહેર માર્ગ સાથે આંતરિક માર્ગોનું પણ પાંચ થી છ ફૂટ જેટલું ખોદાણ કરવામાં આવ્યું હતું. જે પાછલા છ મહિનાથી રીપેરીંગની રાહ જોઈ રહ્યા છે.
વોટ માંગવા આવવું નહીં ! આ વિસ્તારના લોકોની અનેક વખત રજૂઆત છતાં પણ હજુ સુધી માર્ગનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું નથી. મીરાનગરમાં મોટેભાગે સરકારી કર્મચારીઓના રહેણાંક મકાનો આવેલા છે. તેમ છતાં અહીં સરકારી તંત્ર જાણે કે કૃષ્ણ ભક્તિમાં લીન હોય તે પ્રકારે મીરાનગરના લોકોને રામ ભરોસે છોડી મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો નથી, પરંતુ મત માગવા કોઈ પણ નેતાએ ન આવવું તેવી ચોખવટ કરીને અટકેલા કામો પૂરા થાય તેવી માંગ કરી છે.
મનપાનું ઠાલું આશ્વાસન :હાલમાં ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોવાથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નિવેદન આપવામાં આવતું નથી. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા દ્વારા જૂનાગઢ શહેરમાં તબક્કાવાર માર્ગના નવીનીકરણનું કામ હાથ ધરાશે તેવું જણાવાયું છે. લોકોને પડી રહેલી અગવડતા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અવગત છે, પરંતુ જમીનની અંદર પાઇપલાઇન બિછાવવાના કામ પૂરા ન થાય ત્યાં સુધી નવા માર્ગો બનાવવાને લઈને પણ મુશ્કેલી આવે છે. જેથી પડતર કામો પૂર્ણ થતાં જ આગામી થોડા દિવસોમાં માર્ગોનું નવીનીકરણ પણ શરૂ કરી દેવામાં આવશે.
- Junagadh Local Issue : અચ્છે દિન કબ આયેંગે ! ગોકળગતિએ ચાલતા વિકાસકાર્યોથી જૂનાગઢની જનતા ત્રસ્ત
- Junagadh Local Issue : મંદ ગતિએ ચાલતી વિકાસકામોની ગાડીએ સ્થાનિકોની શાંતિનો ભોગ લીધો, સત્તાધીશોએ આપ્યો જવાબ