ભાવનગર :રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 10 સુધીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં શિષ્યવૃતિની ગત વર્ષની સ્થિતિ અને ચાલુ વર્ષમાં કેવી સ્થિતિ છે તે જાણવા ETV Bharat દ્વારા પ્રયાસ કરાયો છે. ક્યાંક શિષ્યવૃત્તિ મળી નથી, તો ક્યાંય પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવી રહી છે. શિક્ષકો પણ પરેશાન થયા છે. ચાલો જાણીએ...
શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓ :ભાવનગર મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત કુલ 68 જેટલી શાળાઓમાં હાલમાં 30,452 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે પૈકી 24,094 જેટલા બાળકો શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર થાય છે.
શિષ્યવૃત્તિ મેળવવાની પ્રક્રિયા : સરકારના નોમ્સ મુજબ બેન્ક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિંક કરવાનું હોય છે. હવે નવી જોગવાઈ મુજબ રેશનકાર્ડને પણ e-KYC મારફત લીંક કરવાનું હોય છે. બધી જ વસ્તુ તૈયાર થાય પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે તે વિદ્યાર્થીઓને કેટેગરી મુજબ શિષ્યવૃતિ મળવાપાત્ર થતી હોય એની પ્રપોઝલ ક્રિએટ કરવામાં આવે છે. આ પ્રપોઝલની વિભાગ દ્વારા ચકાસણી થાય ત્યારબાદ PFMS માં જાય છે. ત્યાં એપ્રુવલ થયા બાદ બેન્ક એકાઉન્ટ દ્વારા ડીજીટલ ગુજરાત પોર્ટલ સાથે જે બાળકોનું આધાર કાર્ડ લિંક થયું છે અને બેંક સાથે વેરિફિકેશન થયું છે, એને શિષ્યવૃતિ મળે છે.
રેશનકાર્ડ e-KYC કામગીરી :હાલ રેશનકાર્ડ e-KYC કામગીરી ચાલુ છે. જેમાં 15,000 જેટલા બાળકો એવા છે કે જેમની પ્રપોઝલ શાળા દ્વારા ક્રિએટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એવા ઘણા બાળકો છે કે, જેમના આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક નથી અથવા e-KYC બાકી છે. હાલમાં કુલ 24000 બાળકો પૈકીના લગભગ 2,100 જેટલા બાળકોના e-KYC 8 થી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. ચાલુ મહિનાની 30 તારીખ સુધીમાં બાકીની e-KYC કામગીરી શાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
શિષ્યવૃતિની પ્રક્રિયામાં આવતી સમસ્યા :ભાવનગરની AV સ્કૂલના આચાર્ય હેતલબેન ઠાઠાગરે જણાવ્યું કે, શિષ્યવૃતિની કામગીરી જૂન મહિના પહેલા શરૂ થઈ છે. અમે પણ ડોક્યુમેન્ટ કલેક્શનની સાથે શિષ્યવૃત્તિની એન્ટ્રી માટે સતત કાર્યશીલ છીએ. દરરોજ અમે બે થી ત્રણ કલાક આ કાર્ય પાછળ આપીએ છીએ. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નિયત સમયમાં મળી રહે તે માટે અમે પૂરતી ગંભીરતા લઈને કામગીરી કરીએ છીએ. પરંતુ હાલમાં ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિનું પોર્ટલ ખૂબ જ સ્લો ચાલી રહ્યું છે. દરરોજ ખૂબ જ જહેમત ઉઠાવ્યા બાદ પણ અમે બે-ત્રણ બાળકોની એન્ટ્રી જ કરી શકીએ છીએ. આધાર કાર્ડ અને રેશનકાર્ડ વેરિફિકેશનની કામગીરીને કારણે સર્વરમાં સમસ્યા આવે છે. આથી ગત વર્ષની જેમ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત ઝડપથી પૂરી કરી શકતા નથી.