ગુજરાત

gujarat

ETV Bharat / state

રાપરના રામવાવ ગામના 22 લોકો પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, જાગૃત યુવકની મહેનત આખરે ફળી - KUTCH LAND GRABBING

કચ્છના રાપરમાં રામવાવ ગામની ગૌચર જમીન દબાણ કરવા બદલ 22 લોકો પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ. આ મામલે એક યુવકે 6 વર્ષથી લડત ચલાવી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 10, 2024, 8:21 PM IST

કચ્છ :પૂર્વ કચ્છના રાપરમાં ગૌચર જમીન દબાવવા બદલ એકસાથે 22 લોકો પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રાપરના રામવાવમાં ગૌચર પરનું દબાણ હટાવવા ગામના યુવકે કેટલાક વર્ષથી આંદોલન કર્યા હતા. અગાઉ આ મામલે ગુજરાત હાઇકોર્ટે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને ગૌચરના દબાણ હટાવવા આદેશ આપ્યો હતો.

દબાણ સામે જાગૃત યુવાનનું આંદોલન :રાપરમાં રામવાવના જાગૃત યુવાન શિવુભા દેશળજી જાડેજાએ છેલ્લા ઘણા વર્ષોથી ગૌચરના દબાણ દૂર કરવા તંત્ર સામે આંદોલન છેડ્યું હતું. સાથે જ અગાઉની પંચાયતના શાસકો અને સરપંચની મીઠી નજર તળે જ દબાણકારોએ ગૌચર જમીન દબાવી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ દબાણો ન હટાવાતા અરજી કરનાર યુવકે 15 એપ્રિલ, 2022 ના રોજ રાપર તાલુકા પંચાયતમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ TDO એ 15 દિવસમાં તમામ દબાણો દૂર કરવા ખાતરી આપી હતી. પરંતુ તે પછી પણ દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા.

ગૌચર જમીન પર દબાણ કર્યાનો આરોપ :ગૌચર જમીન પર દબાણકારોએ કરેલા દબાણ હટાવવાનો મામલો આખરે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સુધી પહોંચ્યો હતો. જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાએ ઈન્ચાર્જ તલાટીને આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો.

ઇન્ચાર્જ તલાટી હિતેન્દ્ર પ્રજાપતિએ રાપર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, રાપર તાલુકાના રામવાવ ગામના સર્વે નંબર 966/2, સર્વે નંબર 967, સર્વે નંબર 968 વાળી જમીન ગૌચર નીમ થયેલી છે. આ ગૌચર નીમવાળી જમીન પર રામવાવ ગામના કેટલાક ગ્રામજનો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે.

ગૌચર જમીન પર કુલ 30 દબાણ નોંધાયા :રામવાવ ગામના શિવુભા દેશળજી જાડેજાની દબાણ દૂર કરવાની અરજી પર રાપર તાલુકા પંચાયત કચેરીએ રામવાવ ગ્રામ પંચાયતને દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો હતો. રામવાવ ગ્રામ પંચાયતે સદર દબાણ વાળી જગ્યાની માપણી કરવા માટે ભુજ D.I.L.R. કચેરીને જરૂરી ફી ભરી પુરતા બંદોબસ્ત સાથે માપણી કરવી હતી. જે માપણી અરજદારને માન્ય ન હોતા, ફરીથી માપણી માટે અરજી કરી હતી. આથી દબાણ વાળી જગ્યાની ફરી માપણી કરાવતા કુલ 30 જેટલા દબાણો સામે આવ્યા હતા.

22 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ :કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ તપાસ કરાવી અને 18 સપ્ટેમ્બરના રોજ રાપર તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર દબાણ અંગે તપાસ કરતા જણાયું કે, (1) સામા લાલા મણવર (2) કાના ભચુ વરચંદ (3) વસ રામ હીરા વરચંદ (4) રેણા હીરા વરચંદ (5) ગોવિંદ ભૂરા વરચંદ (6) ઈશા અભરામ માંજોઠી (7) લખમણ વાલા ઢીલા (8) સવા પેથા વરચંદ (9) માદેવા પેથા વરચંદ (10) માદેવા ધના મણવર (11) સવીતાબેન ભચુ સથવારા (12) સામા નારણ વરચંદ (13) ધારા પાંચા વરચંદ (14) પચાણ ભુરા સોનારા (15) સામા હભુ સોનારા (16) ડાયા બેચરા વર્ચંદ (17) સાજણ ગોપારા વરચંદ (18) રામા ધના સોનારા (19) ધારા ધના સોનારા (20) મોહન સામા રણમલ સોના (21) પચાણ સાજણ વરચંદ (22 ) પેથા હીરા વરચંદ એમ કુલ 22 લોકોએ ગૌચર જમીન પર વાવેતર તથા પાણીના ટાંકા બનાવી દબાણ કર્યું હતું.

જમીન દબાણ ધારા હેઠળ ફરિયાદ :દબાણકારોએ દબાણ વાળી જગ્યાની ફરતે વાડ કરી ગેરકાયદેસર કબ્જો કરી સરકારની ગૌચર જમીન પચાવી પાડી હતી. તેથી તમામ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, 2020 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાએ હાથ ધરી છે.

  1. પશ્ચિમ કચ્છમાં ગુજસીટોક હેઠળ કુખ્યાત પુનશી ગઢવી સામે કાર્યવાહી
  2. ઘોરાડ અભયારણ્ય વિસ્તારના નિરીક્ષણ માટે કચ્છ આવી કેન્દ્રની ટીમ

ABOUT THE AUTHOR

...view details