ઈટીવી ભારતે ગોવિંદ ધોળકીયા સાથે કરી ખાસ વાતચીત સુરતઃ ભાજપે ગુજરાતમાં રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપની આ જાહેરાતની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવાર પૈકીના એક છે સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી એવા ગોવિંદ ધોળકીયા. તેમણે ખુદ અમિત શાહે ફોન કરીને આ સમાચાર આપ્યા હતા. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગોવિંદ ધોળકીયાની પસંદગીથી હીરા ઉદ્યોગ જ નહિ પરંતુ સમગ્ર સુરતમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળે છે.
અમિત શાહે ફોન કર્યો હતોઃ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, મને ગૃહ પ્રધાન અમિત શાહનો ફોન આવ્યો હતો. જેમાં કહેવાયું કે મને રાજ્યસભા માટે તક આપવામાં આવી છે. હું આશ્ચર્યમાં મુકાયો હતો. મેં કહ્યું કે, હું રાજકારણી નથી. અમિત શાહે જવાબ આપ્યો કે, તમારા સામાજિક અને દેશભક્તિના કાર્યોને ધ્યાને લઈને આ તક આપવામાં આવી રહી છે. આ રાજકારણ નથી રાજ્યસભામાં તમારે આ જ કામ કરવાનું છે. ગોવિંદ ધોળકીયાએ પ્રત્યુત્તર આપવા માટે અમિત શાહ પાસે 1 કલાકનો સમય માંગ્યો હતો. તેમણે આ 1 કલાકમાં પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી હતી.
શૂન્યમાંથી સર્જનઃ ગોવિંદ ધોળકીયા અપાર સંઘર્ષની જીવતી જાગતી મિશાલ છે. તેમણે અપાર સંઘર્ષ કરીને શૂન્યમાંથી સર્જન કર્યુ છે. ગોવિંદ ધોળકીયાએ ઈટીવી ભારતને જણાવ્યું કે, હું માત્ર 6 ધોરણ સુધી ભણ્યો છું. ખેડૂત પુત્ર છું. સુરત આવીને મેં પ્રથમ રત્ન કલાકાર તરીકે નોકરી કરી હતી. જેમાં મારો પ્રથમ પગાર માત્ર 106 રૂપિયા પ્રતિ માસ હતો. આજે 7000 જેટલા રત્ન કલાકારો અને કર્મચારીઓ મારી કંપનીમાં કામ કરે છે. મારી કંપની શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ દ્વારા 15,000 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આજે ગોવિંદ ધોળકીયા સુરત જ નહિ પરંતુ ગુજરાતના સૌથી મોટા હીરા ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે.
પ્રખર સેવાભાવીઃ ગોવિંદ ધોળકીયાને આખું સુરત ગોવિંદ કાકાના હુલામણા નામથી ઓળખે છે. ગોવિંદ કાકાએ આખી જિંદગી સેવામાં ખર્ચી કાઢી છે. તેમના દ્વારે મદદની આશાએ આવતો કોઈ પણ મનુષ્ય ખાલી હાથે પરત ફરતો નથી. તેઓ હાલ વિશ્વ હિન્દુ પરિષદ સાથે પણ જોડાયેલા છે. ગોવિંદ કાકાએ અયોધ્યા રામ મંદિરમાં કુલ રુપિયા 11 કરોડનું દાન કર્યુ છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત થયા બાદ પણ તેઓ અંગત સ્વાર્થ નહિ પરંતુ પર સેવાની જ વાત કરે છે. ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું કે, રાજ્યસભામાં જઈ હું મારા હીરા ઉદ્યોગના પ્રશ્નો સહિત દેશના જે પણ પ્રશ્નો હશે તે અંગે કામ કરીશ.
મને ગૃહ પ્રધાન અમિત શાહનો ફોન આવ્યો હતો. જેમાં કહેવાયું કે મને રાજ્યસભા માટે તક આપવામાં આવી છે. રાજ્યસભામાં જઈ હું મારા હીરા ઉદ્યોગના પ્રશ્નો સહિત દેશના જે પણ પ્રશ્નો હશે તે અંગે કામ કરીશ...ગોવિંદ ધોળકીયા(રાજ્યસભા ઉમેદવાર, ભાજપ)
- Rajya Sabha Election 2024: રાજસભામાં સિનિયર આઉટ, નવા ચહેરા ઈન; જે. પી. નડ્ડાને બનશે ગુજરાતથી રાજયસભાના સાંસદ
- Rajya Sabha Election 2024: ગુજરાતમાં રાજ્યસભાની 4 ખાલી બેઠકો માટે આજે જાહેરનામું થશે પ્રસિદ્ધ, 27મી ફેબ્રુ.એ મતદાન