રાજકોટ: કપરાડા તાલુકાના ઊંડાણના ગામમાં ફરજ બજાવતા મહિલા ગ્રામસેવક પોતાની ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ મહિલા ગ્રામસેવકનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે. જેને પગલે સરકારી કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તાજેતરમાં થોડા સમય પહેલા જ તેમની સગાઈ નક્કી થઈ હતી અને ફેબ્રુઆરીમાં તેમના લગ્ન થવાના હતા. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જવાનો હતો, આ દીકરીના માથે પાનેતર ઓઢાવાનું હતું ત્યાં હવે અચાનક ઘટેલા આ અકસ્માતે પરિવારમાં શોકનું મોજું ફેરવી દીધું છે.
કપરાડાના દિનબારી નજીક થયો અકસ્માત
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઊંડાણના ગામમાં ફરજ બજાવતા કૃપાલીબેન સાંગાણી જેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની ફરજ ઉપર મોપેડ લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન દિનબારી ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર પાછળથી આવતી એક ટ્રક કે જેનો નંબર એમ એચ 11 ડીડી 4272 ના ચાલકે તેમની મોપેડ નંબર જી જે 03 જે એ 3245ને ટકર મારતા તેઓ રોડ ઉપર નીચે પટકાયા હતા. જે બાદ ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
અકસ્માત કરી ટ્રક ચાલક ભાગી રહ્યો હતો, પણ...
દિનબારી ગામ પાસે મહિલા ગ્રામ સેવિકા કૃપાલીબેનને અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક મૂકીને ફરાર થઈ જવાના ચક્કરમાં હતો. જોકે અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ ટ્રક ચાલકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
મૃતક ધરમપુરમાં રહી કપરાડા ખાતે નોકરી કરતા હતા
કૃપાલીબેન ભાવેશભાઈ સાંગાણી મૂળ રહેવાસી રાજકોટ જેવો કપરાડા તાલુકાના સાહુડા સેજામાં આવેલા સરોવર ટાટી અને સિંગર ટાટી ગામમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ધરમપુર ખાતે હાલ રહેતા હતા અને ત્યાંથી કપરાડા ખાતે પોતાની મોપેડ ઉપર રોજ અપડાઉન કરતા હતા.