ગાંધીનગર :રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકોમાં તંત્ર પ્રત્યે ભારોભાર આક્રોશ છે. પાટનગર ગાંધીનગરના રહેવાસીઓએ દોષીતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને અને કોઈના ઘરના ચિરાગ ન બુઝાય તે માટે દોષિતોને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવાની લોક માંગણી ઉઠી છે. આ અંગે ETV Bharatની ટીમે ગાંધીનગરના રહીશો સાથે ખાસ વાતચીત કરી હતી.
યોગા ટીચરનો અભિપ્રાય :ગાંધીનગરના યોગા ટીચર ભાવના જોશીએ જણાવ્યું કે, બાગ, બગીચા, વન, મંદિર, દરિયાકિનારા સહિત કેટલી સરસ ફરવાની જગ્યાઓ છે. છતાં લોકો ગેમ ઝોન જેવી જગ્યા પર ભીડ કરે છે, એ ખરેખર આપણી જ મૂર્ખામી છે. આપણે હજારો રૂપિયા ખર્ચ કરીને ગેમ ઝોનમાં જઈએ છીએ અને ત્યાં પરેશાન થઈએ છીએ. કોઈ નિરર્થક વસ્તુ પાછળ ખર્ચ કરી રહ્યા છો. તમે પ્રાકૃતિક જગ્યાએ છોકરાઓને લઈ જાઓ, રમત રમાડો, હરો-ફરો, કુદરતી હવા ઉજાસનો આનંદ લો. રાજકોટની ઘટના ખરેખર બહુ દુઃખદ છે. મારો ખૂબ જ જીવ બળે છે. એ વિચાર આવે તો પાણી અને ખાવાનું પણ ગળે ઉતરતું નથી. ખરેખર આપણે ગુજરાતીઓએ સુધારવાની જરૂર છે. ભીડ કરવાની જરૂર નથી. આટલી ભીડ કરીને આવી સમસ્યાઓ સર્જાય અને છતાં પાછા જોજો તમે હમણાં બે-ચાર મહિનામાં લોકો બધું ભૂલી જશે.
- સરકાર નિરીક્ષણ કરે, જનતા જાગૃત બને :
ગાંધીનગરના રહેવાસી મનીષાબેને જણાવ્યું કે, રાજકોટમાં જે ઘટના બની છે તે દ્રશ્યો જોઈને આપણા રુંવાટા ઉભા થઈ જાય છે. બાળકો પર જે વીતી છે તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે. બળેલી લાશ કોની છે તે પણ ઓળખાતી નથી. એક મા અને પિતા તરીકે આ ઘટનાને જોઈને ખૂબ જ દુઃખ થાય છે. તંત્રએ વર્ષમાં બે-ત્રણ કે ચાર વાર ગેમ ઝોનમાં જઈને ઈન્સ્પેેકશન કરવું જોઈએ. માતા પિતાએ પણ ગેમ ઝોનની સુરક્ષાને લઈને જાગૃત રહેવું જોઈએ.
- આપણે છોકરાઓનું ધ્યાન રાખીશું તો જ આપણે સુરક્ષિત રહીશું !
જયશ્રીબેન ચાવડાએ જણાવ્યું કે, રાજકોટમાં આપણે જે જોયું તે ખૂબ જ દુઃખદ છે. આવી ઘટનાથી બચવા માટે લોકોએ જાગૃત બનવું પડશે. આપણે સુરક્ષા ચકાસણી કરીને જ આપણા છોકરાઓને આવા ગેમ ઝોનમાં મોકલવા જોઈએ. આપણે જ ધ્યાન નહીં રાખીએ તો આપણા છોકરાઓનું કોણ ધ્યાન રાખશે ? આપણે આપણા છોકરાઓનું ધ્યાન રાખીશું તો જ આપણે સુરક્ષિત રહીશું.
- તંત્રએ સુરક્ષાના ધારાધોરણોનો કડક અમલ કરાવવો જોઈએ :