રાજકોટ : રામનાથપરામાં આગની એક ઘટના બની હતી. અહીં એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલા વીજમીટરમાં અચાનક બ્લાસ્ટ થયો અને આગ લાગી હતી. તેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઈટર સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સાથે જ બિલ્ડીંગની અગાસી પર રહેલા લોકોને બચાવી લીધા હતા.
વીજ મીટર થયો બ્લાસ્ટ :મળતી વિગત મુજબ શહેરના રામનાથ પરા શેરી નંબર 14 માં આવેલા શિવ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા વીજ મીટર બોર્ડમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં 9 ફ્લેટ આવેલા છે, જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
રેસ્ક્યુ ઓપરેશન :આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટના સમયે અફરાતફરી ન થાય માટે પોલીસ પણ પહોંચી ગઈ હતી. બિલ્ડિંગમાં રહેતા લોકો નીચે ઉતરી શકે તેમ ન હોવાથી અગાસી પર ચડી ગયા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા આગ કાબૂમાં મેળવ્યા બાદ 6 સ્ત્રી, 4 પુરુષ અને 4 બાળકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, એ સારી બાબત છે.
બચાવ-રાહત કામગીરી :આ અંગે સ્થળ પર રહેલા ફાયર અધિકારી ધીરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાત્રીના સમયે આગની ઘટનાનો કોલ આવતા અમારી ટીમ દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ઈમારત ઉપર રહેલા 14 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે. પણ સાચું કારણ તો તપાસ બાદ જ ખબર પડશે.
- ઉપલેટાના મેઘવદર ગામે ગાય નદીમાં પડી, ગ્રામજનોએ ગાયને બચાવી
- બાળમજૂરી નાથવા સંયુક્ત પ્રયાસ, ઉપલેટામાં 1 બાળકનું રેસ્ક્યુ કર્યું