રાજકોટઃ શહેરમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ દુર્ઘટના ઘટી છે. આગમાં ગેમઝોનનું આખું પરિસર બળી ગયું છે. અત્યાર સુધી કુલ 25ના મૃત્યુ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટના પ્રત્યે વડાપ્રધાન સહિત દિગ્ગજોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.
વડાપ્રધાને ફોન પર માહિતી મેળવીઃ વડાપ્રધાન મોદીએ રાજકોટ ગેમ ઝોનની ગંભીરતા પારખીને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પાસેથી ટેલીફોનિક માહિતી મેળવી હતી. વડાપ્રધાને મૃતકો પ્રત્યે દુઃખ અને સંવેદનાની લાગણી વ્યક્ત કરી અને દોષીતો સામે કડક કાર્યવાહીના દિશા નિર્દેશ કર્યા છે.
રાજ્ય સરકારે સહાય જાહેર કરીઃ રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે...ભુપેન્દ્ર પટેલ(મુખ્યપ્રધાન, ગુજરાત)
શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યુઃ રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું માણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે . વારંવારની આવી ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું એ દુઃખદ સુરત, વડોદરા, મોરબી, પાલનપુર બ્રિજની દુર્ઘટનાઓ સરકારની નિષ્કાળજી દર્શાવે છે. ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી દર્શાવવામાં આવે છે . સરકાર વ્યવસ્થિત હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે. ગુજરાતીઓએ ભાજપને ખોબેને ખોબે મત આવ્યા છે ત્યારે તેમની જવાબદારી બેવડાય છે. કોર્પોરેશનથી લઇ કેન્દ્રમાં સરકાર હોવા છતાં માત્ર ધનસંગ્રહ જ કરાય છે. તબેલા માથી ઘોડા છૂટી ગયા બાદ હવે તમામ ગેમઝોન બંધ કરવા નીકળ્યા . નૈતિકતાના ધોરણે સરકારે ઘટનામાં બેદરકારી સ્વીકારવી જોઈએ. કમસે કમ ઈશ્વરનો ડર તો સરકાર રાખે: શક્તિસિંહ ગોહિલ
ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયાઃ રાજકોટ આગ દુર્ઘટના પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 24 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે.
મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયાઃગુજરાતના રાજકોટમાં ગેમિંગ ઝોનની ભયાનક દુર્ઘટના અત્યંત દર્દનાક છે. અહેવાલો અનુસાર, 24 લોકોના મોત થયા છે, જેમાં ઘણા માસૂમ બાળકો પણ સામેલ છે. અમે પીડિતોના પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. હું કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કરું છું કે દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવે જેથી પીડિતોને સારવાર અથવા વળતર વગેરેમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. રાજ્ય સરકારના નબળા વલણને કારણે અવાર-નવાર આવા અકસ્માતો થતા રહે છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. સરકાર પાસે અમારી માંગ છે કે અકસ્માતમાં વહેલી તકે જવાબદારી નક્કી કરવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે.