રાજકોટ: રાજકોટમાં શનિવારે સમુહ લગ્નમાં છેતરપિંડીની ઘટના સામે આવી હતી. જેમાં લગ્નના આયોજકોએ વર અને કન્યા પક્ષ પાસેથી સમુહ લગ્ન કરાવવા માટે પૈસા લીધા હતા અને લગ્નના દિવસે આયોજકો ગાયબ થઈ જતા વર તથા કન્યા પક્ષ રઝળી પડ્યા હતા. આ મામલે પોલીસમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મામલો સામે આવતા પૂર્વ સાંસદ રમેશ ધડૂકે પણ લગ્નના આયોજકોએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે.
પૂર્વ સાંસદે આયોજકોને લઈને કર્યો ખુલાસો
આ અંગે પૂર્વ સાંસદ રમેશ ધડૂકે કહ્યું કે, ગઈકાલે રાજકોટમાં જે સમુહલગ્નની જે ઘટના બની છે, તે ખૂબ જ દુઃખદ વાત છે. 27 જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને ભાગી ગયા તે દુઃખની વાત છે. મારી પાસે પણ આવેલા, આ પહેલા પણ આવ્યા હતા. આ પહેલા પણ મેં તેમને વસ્તુઓ આપી હતી. આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં તેમને 28 નંગ મિક્સર આપેલા. દર વર્ષે મારી પાસે બધા લોકો આવતા હોય છે. કોઈ દીકરીના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવી ઘટના બને તે ખૂબ દુઃખની વાત છે.
લગ્ન માટે 15થી 40,000 ઉઘરાવ્યા હતા
ખાસ છે કે, રાજકોટ માધાપર ચોકડી નજીક આવેલી ADB હોટલ સામે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનાં નામે 28 સર્વજ્ઞાતિય દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે બધા પરિવારો પાસેથી રૂ. 15 હજારથી 40,000 ઉઘરાવી લેવામાં આવ્યા હતા. જોકે લગ્નના દિવસે સવારથી પરિવારો આવ્યા તો કોઈપણ આયોજકો હાજર હતા નહીં. જેથી છેતરપિંડી થયાનું લાગતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો.