ગાંધીનગરઃ આખા નગરની રક્ષા, સંભાળ, દેખરેખની જવાબદારી જે સરકારી કચેરીની હોય તે યોગ્ય વ્યવસ્થાથી સજ્જ હોય તે અનિવાર્ય છે. રાજકોટ ગેમ ઝોન ફાયર એક્સિડન્ટ બાદ સરકારી કચેરીઓ સફાળી જાગી છે. રાજ્ય સરકારે પણ દરેક સરકારી કચેરી અને ખાનગી ઈમારતોમાં ફાયર સેફ્ટિ ચેકના આદેશ આપ્યા છે. જો કે આખી સરકાર જ્યાંથી ચાલે છે તે રાજધાની એવા ગાંધીનગરની કલેક્ટર ઓફિસમાં જ ફાયર સેફ્ટીના ધાંધીયા જોવા મળ્યા છે.
દીવા નીચે અંધારુંઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફાયર સેફ્ટીના મુદ્દે દીવા નીચે અંધારું છે. કલેકટર કચેરીમાં લાગેલા ફાયર સાધનો આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. રાજકોટની TRP ગેમજોનની ઘટના બાદ ગાંધીનગર જિલ્લાનું તંત્ર ધૂણ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે, ગાંધીનગર કલેક્ટર કચેરી સેવા સદનમાં આવેલા ફાયર સેફ્ટીના બાટલા 1 વર્ષથી રીફિલ કરવામાં આવ્યા નથી. જેને લઈને તંત્ર સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.
આમ આદમી પાર્ટીની રજૂઆતઃ ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરની મુખ્ય કચેરી સમાન કલેક્ટર કચેરી એટલે કે ગાંધીનગર જિલ્લા સેવા સદનમાં જ ફાયર સેફ્ટીમાં ધાંધીયા મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તૃષાર પરીખે કલેકટર કચેરીમાં ફાયર સેફટી સાધનોની એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવાની રજૂઆત કરી હતી. તેમણે કલેકટરને પત્ર લખી ફાયર સેફ્ટીના નવા સાધનો મુકાવવાની માંગણી કરી છે.
એનઓસીની માંગણીઃ આમ આદમી પાર્ટીના તૃષાર પરીખે કલેકટરને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે જિલ્લા કલેકટર કચેરીમાં ફાયરના સાધનો એક્સપાયર થઈ ચૂક્યા છે. જેમાં અમુક સાધનોમાં તારીખો સ્પષ્ટ વંચાતી નથી. અમુક ફાયર એક્શ્ટિંગ્યુશર પર તારીખ 19-1-2023 દર્શાવી છે. તેને રીફિલ કરવામાં આવ્યા નથી. તમામ ફાયર સેફ્ટી એનઓસી સહિતના પ્રમાણપત્રોની માંગણી કરી છે. કોર્પોરેટર તૃષારે તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનો બદલવા જિલ્લા કલેકટર અને ફાયર ઓફિસરને રજૂઆત કરી છે.
વેધક સવાલોઃ ગાંધીનગરની સરકારી કચેરીઓમાં પૂરતા ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ તેની યોગ્ય તપાસ થશે કે કેમ ? અને ફાયર સેફ્ટીના સાધનો છે તો ફાયર બાટલા રીફિલિંગ સમયાંતરે થાય છે કે કેમ ? તેને લઈને પણ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. કચેરીમાં માત્ર ફાયરને લગતા બાટલા છે તે સિવાયના જે જરૂરી સાધનો હોવા જોઈએ. ફાયર સેફ્ટીને લગતા સંસાધનો લગાડવામાં આવ્યા નથી તેને લઈને પણ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે.
- રાજકોટ અગ્નિકાંડમાં જવાબદાર IAS-IPS અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે : સુભાષ ત્રિવેદી - Rajkot Gamezone Fire Incident
- રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારનું કડક વલણ: સુરત પોલીસે 5 ગેમ ઝોનના માલિકો સામે કર્યો ફોજદારી ગુનો દાખલ - Surat Police Took Action