રાજકોટ:આજથી વિક્રમ સવંત 2081તરીકે નવા વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે લોકો ભગવાનના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. આ માટે મોટી સંખ્યામાં મંદિરે જતા હોય છે. ત્યારે રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે બેસતા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મંદિરમાં ભગવાનને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવી હતી.
સ્વામિનારાયણ મંદિરમાં 1500 વાનગીઓનો અન્નકૂટ
રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં 11 વાગ્યે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં ભગવાનને 1500થી વધુ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. જેના દર્શન કરવા માટે દેશ-વિદેશમાં પણ હરિભક્તો અહીં પહોંચ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મંદિર પહોંચીને આશીર્વાદ લીધા હતા અને અન્નકૂટના દર્શન કર્યા હતા. તેમણે રાજ્યના તમામ નાગરિકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.