સુરત: ગુજરાતની આર્થિક રાજધાની એટલે સુરત. ત્યારે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવેમ્બર મહિનામાં 1,52,253 મુસાફરોએ પ્રવાસ કર્યો છે. જે છેલ્લા સાડા પાંચ વર્ષ દરમિયાન નોંધાયેલા મુસાફરોનો બીજો વખતનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. છેલ્લે મે, 2019માં સૌથી વધુ 1,54,667 મુસાફરોએ સુરત એરપોર્ટથી પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ નવેમ્બર વર્ષ 2024માં 1,52,253 મુસાફરો નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વર્તમાન સમયમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી 16 થી 18 જેટલી ફ્લાઈટની રેગ્યૂલર મૂવમેન્ટ છે. જેમાં શારજાહ અને બેંગકોંગની એક-એક તથા દુબઈની બે ફ્લાઈટનો પણ સમાવેશ થયો છે. જ્યારે બીજી ફ્લાઈટ દિલ્હી, જયપુર, કોલકાતા, ગોવા, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ અને પૂનેથી સુરત આવે છે. આ ફ્લાઇટ ફરી સુરતથી જે-તે શહેર તરફ ઉડાન ભરે છે.
સુરત એરપોર્ટથી પ્રવાસ કરનારા મુસાફરોની વધી રહેલી સંખ્યા વચ્ચે નવેમ્બર મહિનામાં 1,52,253 મુસાફરો નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં આખા વર્ષ દરમિયાન 15.90 લાખ જેટલા મુસાફર સુરત એરપોર્ટ ખાતે નોંધાયા હતા. જોકે આ વર્ષે તેના કરતા વધુ મુસાફર નોંધાવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર મહિના દરમિયાન કુલ 14,89,442 મુસાફરો સુરત એરપોર્ટથી પ્રવાસ કરી ચૂક્યા છે. ત્યારે બેંગકોંગની ફ્લાઈટ શરૂ થવાથી ડિસેમ્બર મહિનાના અંત સાથે આ આંકડો 16 લાખ સુધી પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે. હજુ ડિસેમ્બર મહિનાની પૂર્ણતાને પાંચ દિવસ બાકી છે, ત્યારે ગત મહિના કરતાં વધુ પ્રવાસીની અવર-જવર સુરત એરપોર્ટ પર નોંધાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: