ગુજરાત

gujarat

ETV Bharat / state

કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજકોટ વહીવટી તંત્ર સજ્જ, કલેકટર પ્રભવ જોશીનો જનતા જોગ સંદેશ - Rajkot Weather Update - RAJKOT WEATHER UPDATE

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ જિલ્લા તંત્રના તમામ વિભાગ એલર્ટ મોડમાં છે. લોકોને પણ સાવચેત અને સતર્ક રહેવા જિલ્લા કલેકટરે ખાસ સુચના સંદેશા આપ્યા છે. જાણો રાજકોટ જિલ્લાની વિગતો આ અહેવાલમાં...

રાજકોટ વહીવટી તંત્ર સજ્જ
રાજકોટ વહીવટી તંત્ર સજ્જ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2024, 9:46 AM IST

રાજકોટ : ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરીને સમગ્ર જિલ્લાની સ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો. કલેકટરના માર્ગદર્શન હેઠળ દરેક તાલુકા દીઠ લાયઝન ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જે અન્વયે દરેક તાલુકામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુસંધાને મીટીંગ કરીને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

કલેકટર પ્રભવ જોશીનો જનતા જોગ સંદેશ (ETV Bharat Gujarat)

રાજકોટ વહીવટી તંત્ર એલર્ટ :જિલ્લાના દરેક તાલુકામાં આકસ્મિક બનાવને પહોંચી વળવા માટે મેડિકલ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેમજ ભારે વરસાદને કારણે થયેલા નુકશાન અંગે ત્વરીત કાર્યવાહી કરી શકાય તે માટે તાલુકાઓમાંથી નુકશાનીના રિપોર્ટ પણ મંગાવવામાં આવી રહ્યા છે. આમ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

108 ઈમરજન્સી સેવા:રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેકટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં Anti Snake Venom (ASV) ઇન્જેક્શનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમજ પૂરતો (ASV), પ્રસુતિ કીટ, ઈમરજન્સી દવાઓ અને ઑક્સિજન સહિત ડીઝલના પૂરતા જથ્થા અંગે પુષ્ટિ કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને કારણે દરેક કર્મચારીઓની રજા કેન્સલ કરીને હેડ ક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

જનતા જોગ સૂચન :આ સાથે જિલ્લાના નાગરિકો માટેની 108 સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે. જે અંતર્ગત નાગરીકોએ વરસાદ અને ચક્રવાત દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું જોઈએ, સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી, વરસાદ દરમિયાન અજાણ્યા રોડ કે વિસ્તારમાં અવરજવર ન કરવી, નદી અને નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી તથા પશુને બાંધી રાખવા નહીં. વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો. સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવા જોઈએ.

કોઈપણ આકસ્મિક ઘટનામા ગભરાયા વગર 108 સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો. હાથ બત્તી અને મોબાઇલને પૂરતા ચાર્જ રાખવા, વૃક્ષો કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું, નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું, આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી, ખોટી અફવાઓને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું. સાથે જ વૃદ્ધ, સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુ સાથે વરસાદ દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ. કોઈ આરોગ્ય સબંધિત તકલીફ પડે તરત 108 સેવાનો સંપર્ક કરવો.

વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તાલીમબદ્ધ કર્મચારીઓ કટિબદ્ધ છીએ અને તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. -- ચેતન ગાધે (પ્રોગ્રામ મેનેજર,108 ઈમરજન્સી સેવા)

24 કલાક કાર્યરત કંટ્રોલરુમ:રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને લઈને ડિઝાસ્ટર ટીમ દ્વારા કંટ્રોલ રૂમ 24x7 કલાક કાર્યરત છે. વહિવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાનહાની ન થાય તે માટે દરેક પ્રકારની આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે. ગતરોજથી રાજકોટ ફાયર વિભાગના 240 થી વધુ કર્મચારીઓ ખડેપગે કામગીરી કરી રહ્યા છે. તેમજ ઈમરજન્સી નંબર 101 પરથી નાગરીકોની આવતી ફરિયાદોનો ત્વરીત રિસ્પોન્સ આપવામાં આવી રહ્યો છે.

NDRF ટીમ સ્ટેન્ડ બાય :ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 101 ઈમરજન્સી નંબર પર વૃક્ષ ધરાશાયી થવા, રસ્તો બ્લોક થવા અને પાણી ભરાવાની સમસ્યાના 30 થી વધુ ફોન કોલ આવ્યા હતા. જે અન્વયે ફાયર ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં 32 થી વધુ જગ્યા પર ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવીને વાહન વ્યવહાર પૂર્વરત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 25 NDRF જવાનોની ટીમને પણ સ્ટેન્ડબાય ઉપર રાખવામાં આવી છે. આમ, ભારે વરસાદની સ્થિતિ સામે પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે.

NDRF ટીમ સ્ટેન્ડ બાય (ETV Bharat Gujarat)

રાજકોટ જિલ્લા સમીક્ષા બેઠક :રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ અન્વયે કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી સંદર્ભે મુદ્દાવાર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરે તાલુકા કક્ષાએ ઉપલબ્ધ તમામ સાધન-સામગ્રી ચાલુ હાલતમાં હોવાની ખરાઈ કરીને રેડી ટુ યુઝ માટે તૈયાર રાખવા જણાવ્યું હતું.

પોલીસ વિભાગને સૂચના :લો લાઈન કોઝવે પર પાણી પસાર થતું હોય ત્યારે કોઈપણ વ્યક્તિ કે વાહનો પસાર થાય નહીં, તે માટે પોલીસ વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના સંપર્કમાં રહીને કોઝ-વે બંધ કરાવવા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ ભારે વરસાદના કારણે નદીનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકો અવરજવર કરે નહીં તથા માલ-ઢોર ચરાવવા જાય નહીં, તેની તકેદારી રાખવા ખાસ સૂચના આપી હતી.

આરોગ્ય વિભાગ સજ્જ :આ ઉપરાંત, ધાર્મિક તહેવારોને અનુલક્ષીને માનવ મહેરામણ ઉમટી પડે તેવા ધાર્મિક સ્થળો પર જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા અને કોઈ દુર્ઘટના ન બને તેની તકેદારી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નજીકના સમયમાં ડિલિવરી આવે તેમ હોય તેવી મહિલાઓને તાલુકા આરોગ્ય અધિકારી મારફત સંપર્ક કરીને સલામત સ્થળે રાખવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ તાલુકા કક્ષાએ તમામ આરોગ્ય સ્ટાફને ઉપસ્થિત રહેવા અને જરૂરી તમામ દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા જણાવ્યું હતું.

તાલુકા કક્ષાએ કામગીરી (ETV Bharat Gujarat)

તાલુકા કક્ષાએ કામગીરી :તાલુકા કક્ષાએ અને નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઇ રહે તથા પીવાના પાણીની અછત ઉભી ન થાય, તે માટે આગોતરી જરૂરી વ્યવસ્થા કરવા તમામ ચીફ ઓફીસરોને સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદને કારણે સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઉભી થાય તેવા સંજોગોમાં આશ્રયસ્થાનોની ખરાઈ કરીને તમામ આનુષાંગિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું હતું.

ભયજનક બાંધકામ દૂર કરાશે :ભારે વરસાદને કારણે જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય તેવા સ્થળો અને ગામોની મુલાકાત લેવા તથા ભયજનક મકાનોની યાદી તૈયાર કરી, આવા મકાન અને હોર્ડિંગ તાત્કાલિક ઉતરાવી લેવા તેમજ પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે જરૂરી સાફ-સફાઈ અને દવાનો છંટકાવ કરાવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

"ઝીરો કેઝ્યુઆલીટી પોલિસી" :રાજકોટ જિલ્લા કક્ષાએથી આપવામાં આવતી સૂચનાઓ અને ભારે વરસાદની આગાહી સ્થાનિક લોકો સુધી પહોંચે તે માટે તાલુકાના સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરી જાણ કરવા તેમજ તમામ પ્રાંત અધિકારીઓ અને લાયઝન અધિકારીઓને પોતાના સબ ડિવિઝનમાં સતત સંપર્કમાં રહીને કોઈપણ દુર્ઘટના બને તો તાત્કાલિક જિલ્લા કક્ષાએ જાણ કરવા જણાવવામાં આવ્યું હતું.

ભારે વરસાદને પગલે "ઝીરો કેઝ્યુઆલીટી પોલિસી" અન્વયે માનવ અને પશુઓના મૃત્યુ અને ઇજા સંદર્ભે કામગીરી કરવા અને ખુલ્લી ગટર-નાળા, વીજળી પડવા, સર્પદંશ અને અન્ય ઝેરી જાનવરના દંશના કિસ્સામાં તથા ખુલ્લા વીજવાયર સંદર્ભે સંબંધિત અધિકારીઓને તુરંત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

24 કલાક કાર્યરત કંટ્રોલરુમ (ETV Bharat Gujarat)

ગોંડલમાં સંયુક્ત કામગીરી :રાજકોટ જિલ્લાની નદીઓ, તળાવો અને ડેમ વિસ્તારમાં નવા નીરની આવક નોંધાઈ છે. જે અન્વયે લાઇઝન અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારાએ ગોંડલ તાલુકાના તળાવ, નદીઓ, ડેમના હેઠવાસ વિસ્તાર અને શેલ્ટર હોમની મુલાકાત લઈને પ્રાથમિક જરૂરિયાત અંગે વ્યવસ્થા ગોઠવી હતી. આ મુલાકાતમાં ગોંડલ શહેર મામલતદાર ડી.ડી. ભટ્ટ તથા ગોંડલ ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ અને સંયુક્ત વિભાગના અધિકારી અને કર્મચારીએ ગોંડલના વેરી તળાવ, ગોંડલ આશાપુરા તળાવ તથા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને લોકોને આ વિસ્તારોમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપી હતી.

ગોંડલ તાલુકાના પાંચિયાવાદરની ગોંડલી નદી, કોલીથડ ગામની છાપરવાડી નદી અને મોતીસર નદી ખાતે કોઝ વે અને પુલ હોય તેવા સ્થળોની મુલાકાત લઇ ગોંડલ તાલુકા મામલતદાર રાહુલ ડોડીયાએ ગામના આગેવાનોને વરસાદની સ્થિતિ વિશે સાવચેત કર્યા હતા. ગોંડલ તાલુકાના ભાદર-1 ડેમ, મોતીસર ડેમ અને છાપરવાડી ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત મુકવા સ્થાનિક પોલીસને ગોંડલ તાલુકા મામલતદાર દ્વારા સૂચના આપી હતી.

ઉપલેટામાં શેલ્ટર હોમ તૈયાર :આ સાથે ઉપલેટા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થાય અને આગામી સમયમાં લોકોને નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવાની જરૂર જણાય, તો ઉપલેટા શેરી વિસ્તારમાં શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની મુલાકાત ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણીએ કરી હતી.

રાજકોટ વહીવટી તંત્ર એલર્ટ (ETV Bharat Gujarat)

જસદણની જનતા સુરક્ષિત :જસદણ તાલુકાના પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવાએ શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. તેમજ જસદણના રાણીંગપર ગામમાં આવેલ રાણીંગપર ડેમ, રણજીતગઢ ગામ, ભાડલા-વિરપર ગામ, બોઘરાવદર ગામ, રાજકોટ તાલુકાના બેડલાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ગ્રામજનોને સાવચેત કર્યા હતા. આ મુલાકાતમાં જસદણ મામલતદાર એમ. ડી. દવેએ, તાલુકા વિકાસ અધિકારી અને ભાડલા ગામના પી.એસ.આઈ. અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે હતા.

આ હેલ્પલાઈન નંબર નોંધી લો :ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત વિવિધ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે ટેલિફોન નંબર જાહેર કરાયા છે. જે મુજબ કલેકટર કચેરીના ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 0281-2471573, પોલીસ કંટ્રોલ રૂમ 100, આર.એમ.સી. (રાજકોટ મહાનગરપાલિકા) ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ 0281-2227222/101, PGVCL હેલ્પલાઇન નંબર 19122 પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત, તાલુકા પ્રમાણે જોઈએ તો પડધરી તાલુકા માટે 02820-233059, લોધીકા તાલુકા માટે 02827-244221, કોટડાસાંગાણી તાલુકા માટે 02827-276221, જસદણ તાલુકા માટે 02821-220032, ગોંડલ ગ્રામ્ય/શહેર માટે 02825-220093, જામકંડોરણા તાલુકા માટે 02824-271321, ઉપલેટા તાલુકા માટે 02826-221458, ધોરાજી તાલુકા માટે 02824-221887, જેતપુર ગ્રામ/શહેર માટે 02823-220001 અને વિંછીયા તાલુકા માટે 02821-273432 આ ટેલિફોન નંબર પર જરૂર પડ્યે સંપર્ક કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details