રાજકોટ :હાલમાં જ રાજકોટમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. આજી GIDC નજીકના વિસ્તારમાં ખંભાના ભાગે લાંબુ દાતરડુ રાખીને જઈ રહેલા આધેડનું દાતરડુ રિક્ષામાં ફસાઈ ગયું હતું. બાદમાં ખેંચાણ આવતા દાતરડુ ગળાના ભાગે ફરી વળતાં ઘટનાસ્થળે જ આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થયો હતો.
રાજકોટમાં અજીબ અકસ્માત, આધેડનું ગળું કપાઈ ગયું (ETV Bharat Gujarat) અજીબ અકસ્માત :આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના ગોંડલ રોડ પર યુવરાજનગર શેરી નં. 1માં રહેતા સાગરભાઈ વેલશીભાઈ સાડમિયા નામના 51 વર્ષીય વ્યક્તિ તેમના પત્ની સાથે કામ માટે બહાર નીકળ્યા હતા. વૃક્ષ પરથી ઘેટા-બકરાના ચારા માટે કાપવા માટેનું લાંબુ દાતરડુ ખંભે રાખીને જઈ રહ્યા હતા.
આધેડનું ગળુ કપાયું :આજી GIDC વિસ્તારમાં એકાએક પુરપાટ વેગે ઘસી આવેલી રિક્ષામાં દાતરડાનો ભાગ ફસાઈ ગયો હતો. જેને કારણે ખેંચાણ આવતા સાગરભાઈ સાડમીયાના ખંભાના ભાગે રહેલું દાતરડુ તેમના ગળા પર ફરી વળતાં આધેડ લોહીલુહાણ હાલતમાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને સારવાર મળે તે પૂર્વે જ ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
પોલીસ કાર્યવાહી :આધેડના મોતના સમાચાર મળતા જ પરિવારજનો તાત્કાલિક દોડી ગયા હતા. આધેડના મોતથી પરિવાર શોકાતુર બન્યો હતો. આ ઘટના અંગે જાણ થતા થોરાળા પોલીસના PSI જે. એમ. પરમાર સહિતના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. સાથે જ આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પોલીસે આ અંગે રિક્ષા ચાલક સામે ગુનો દાખલ કરવા પણ તજવીજ હાથ ધરી છે.
- રાજકોટની મહિલા ગ્રામ સેવકનું ફરજ પર જતી વખતે અકસ્માતમાં મોત
- દુકાન સંચાલિકાને ભાગીદાર યુવકે લાફા ઝીંક્યા, વીડિયો થયો વાયરલ