સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા અને બારડોલી સહિતના મોટાભાગના તાલુકાઓમાં આજરોજ ફરી વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસી રહેલા વરસાદને લઈને જળાશયો ફરી છલોછલ થઈ ગયા છે. ઉમરપાડા તાલુકા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા માંડવી તાલુકાનો આમલી ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. જેને લઇને ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમના 6 દરવાજા ખોલાયા: આમલી ડેમના 6 દરવાજાઓ ખોલી 7500 ક્યુંસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળ સપાટી હાલ 115.80 મીટર છે. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લઇને નીચાણવાળા વિસ્તારમાં ડેમ પ્રભાવિત થતા 27 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરવામાં આવ્યા છે. તેમજ ડેમ નજીક પશુપાલકો, માછીમારો અને લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.