અમરેલી:સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાતાવરણમાં પલટાની સાથે જ અનેક વિસ્તારની અંદર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. બે દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. હાલ અમરેલી જિલ્લામાં પણ વરસાદ પડવાની આગાહી છે અને વિઝિબિલિટી ઝીરો થઈ રહી છે.
વાતાવરણીય પરિસ્થિતિને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે જો ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે તો જીરુંના પાકને મોટી નુકસાની થવાની શક્યતા છે. તો સાથે જ ધાણા, ચણા, ઘઉં તેમજ અન્ય ફળપાક અને બાગાયતી પાકમાં રોગ આવવાની શક્યતા છે. જો હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી મુજબ વરસાદ પડશે તો જીરુંનો પાક 100 % નિષ્ફળ જશે.
ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો (Etv Bharat Gujarat) તમને જણાવી દઈએ કે, અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે વાવેતરની સંખ્યામાં પણ વધારો થયો છે. અમરેલી જિલ્લામાં 22,000 થી વધુ હેક્ટરમાં ચાલુ સિઝનમાં વાવેતરમાં વધારો થયો છે. આ સમય દરમિયાન ઘઉં અને ચણાના પાકના વાવેતરમાં વધારો થયો છે, પરંતુ હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી ઘઉં અને ચણાના પાકમાં રોગચાળો આવવાની ભીતિ ખેડૂતોમાં ઊભી થઈ છે.
અમરેલી જિલ્લામાં સૌથી મહત્વનો પાક રવિ પાકમાં ચણાનું વાવેતર ખેડૂતો કરતા હોય છે. ચણાનું વાવેતર સૌથી ઓછા પીયતમાં વધુ સારું ઉત્પાદન આપે છે. ચાલુ સિઝનમાં 1500 રૂપિયા સુધી ચણાનો ભાવ બોલાયો હતો અને હજુ પણ માર્કેટમાં સારો ભાવ બોલાઈ રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું છે ઘઉંનું વાવેતર કર્યું છે સાથે જ મસાલા વર્ગનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લાની પરિસ્થિતિ જણાવીએ તો હાલ અમરેલી જિલ્લામાં બે લાખથી વધુ રવિ પાકોનું વાવેતર નોંધાયેલું છે. જિલ્લામાં મુખ્ય પાકમાં ઘઉં, ચણા, જીરું, ધાણા, લસણ અને ડુંગળીનો વાવેતર નોંધાયું છે. જેમાં 93 હજાર હેક્ટરમાં ચણાનું વાવેતર, 43 હજાર હેક્ટરમાં ઘઉં પાકનું વાવેતર, 14000 હેક્ટરમાં ધાણાના પાકનું વાવેતર, 20,000 હેક્ટરમાં ડુંગળી અને લસણ જેવા પાકનો વાવેતર નોંધાયું છે.
હાલના તબક્કે ખેતરમાં કપાસનો પાક પણ છે. તેમજ અન્ય પાક પણ લહેરાઈ રહ્યો છે. તો આગામી સમયમાં પૂરક પાકને પાણી આપવાનું હોય તો હાલના સમયે વાતાવરણને લઈને પાણી ન આપવું જરૂરી છે. સાથે જ અન્ય પાકો જે હાલ લહેરી રહ્યા છે જેમાં દવા કે ખાતરનો ઉપયોગ જરૂરી છે સરકાર ટેની સૂચના ખેડૂતોને આપવામાં આવી છે. સાથે જ વીણીના પાકો પણ છે કે જેની લણણી કરવાની તો એ પાકોને વીણી સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવા જોઈએ. તેમજ ખળાની અંદર જો કોઈ પણ પ્રકારના ઘાસચારા વર્ગનો પાક હોય તો તેને પણ ઢાંકી અને સુરક્ષિત કરવો જરૂરી છે.
આ પણ વાંચો:
- સુરતમાં સુમુલ ડેરીના નામે નકલી ઘી વેચવાનું કૌભાંડ, કઈ બે વસ્તુઓ મિક્સ કરીને બનાવાતું આ નકલી ઘી?
- ગીરસોમનાથના ખેડૂતોની જાત મહેનત જિંદાબાદ, બે ગામને જોડતી ગાડા કેડીમાં પાકો રસ્તો બનાવ્યો