અમરેલી: જિલ્લાનો બાજરો ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ વિસ્તારની અંદર બાજરી ખૂબ સારી એવી થાય છે અને આ બાજરાનો ભાવ ₹2,000 થી ₹3,500 સુધી બોલાતા હોય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઠી ખાતે સંબોધન કરતા સમયે જાફરાબાદના બાબરકોટના બાજરાને યાદ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, જાફરાબાદના બાજરાની તો હું દિલ્હીમાં વખાણ કરું છું અને જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ બાજરો મોકલાવે છે.
અમરેલી જિલ્લાની કેસર કેરીને પણ યાદ કરી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન સમયે અમરેલી જિલ્લાની કેસર કેરીને પણ યાદ કરી હતી. અમરેલી જિલ્લાની કેસર કેરીની વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, કેસર કેરીને હવે GI ટેગ મળ્યો છે, જેના કારણે દુનિયાભરમાં અમરેલીની કેસર કેરીની GI ટેગ સાથે આબરૂ ઊભી થઈ છે અને હવે લોકો અમરેલી જિલ્લાની કેસર કેરી દેશ અને દુનિયાની અંદર દરેક લોકો સ્વાદ માણશે.